સ્પોર્ટસ

8,856 રન કર્યા અને 29 સેન્ચુરી ફટકારી છતાં ભારત વતી ન રમવા મળ્યું, ગુજરાતના પ્લેયરે નિવૃત્તિ લઈ લીધી

એક ટેસ્ટ સિરીઝમાં ઈજાગ્રસ્ત રોહિત શર્માના વિકલ્પ તરીકે આ ઓપનરને ટીમ ઇન્ડિયામાં સમાવાયો હતો, પણ...

અમદાવાદઃ ગુજરાતના ભૂતપૂર્વ કૅપ્ટન અને ઇન્ડિયા `એ’ની ટીમનું પણ નેતૃત્વ કરી ચૂકેલા 35 વર્ષના રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન પ્રિયાંક પંચાલે તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હોવાનું ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન (GCA)એ સોમવારે જણાવ્યું હતું અને તેને શાનદાર કરીઅર બદલ અભિનંદન આપ્યા હતા. ગુજરાત તથા વેસ્ટ ઝોન વતી રમી ચૂકેલા પંચાલે (PRIYANK PANCHAL) 17 વર્ષની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 127 મૅચના 207 દાવમાં કુલ 16,568 બૉલમાં 8,856 રન કર્યા હતા.
પંચાલે ટ્રિપલ સેન્ચુરી સહિત 29 સેન્ચુરી અને 34 હાફ સેન્ચુરી ફટકારી હતી, 45.18 તેની બૅટિંગ-સરેરાશ હતી, તેણે 1,110 ફોર તથા 62 સિક્સર ફટકારી હતી તેમ જ લિસ્ટ-એ પ્રકારની 97 મૅચમાં 3,672 રન બનાવ્યા હતા છતાં તેને ભારત વતી ન રમવા મળ્યું એનો તેને તેમ જ તેના અસંખ્ય ચાહકોને અફસોસ રહી ગયો હશે.

ગુજરાત (GUJARAT) વતી પંચાલે 7,011 રન કર્યા હતા અને તે પાર્થિવ પટેલ (7,030 રન) પછી બીજા નંબરે છે. પંચાલે રાજ્ય વતી 23 સેન્ચુરી ફટકારી હતી જે રાજ્યના તમામ બૅટ્સમેનોમાં હાઇએસ્ટ છે.

તમામ ફૉર્મેટમાં ચૅમ્પિયન બનાવીને ગુજરાતની ક્રિકેટમાં પરિવર્તન લાવવામાં પાર્થિવ પટેલ ઉપરાંત પંચાલનું પણ મોટું યોગદાન હતું.

પંચાલને બે વખત ભારતની ટેસ્ટ ટીમમાં અનામત ખેલાડી તરીકે સમાવાયો હતો, પરંતુ તેને રમવાનો મોકો નહોતો મળ્યો. રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટમાંથી નિવૃત્ત થઈ ગયા પછી પણ તેને ટીમમાં ન સમાવાયો એનો તેને રંજ રહી ગયો હશે. એક સમય હતો જ્યારે (2021માં) પંચાલને ઈજાગ્રસ્ત રોહિત શર્માના વિકલ્પ તરીકે રિઝર્વ પ્લેયર (OPENER) તરીકે સ્ક્વૉડમાં સમાવાયો હતો.

આ પણ વાંચો…મેં નિવૃત્તિ બાદ છ મહિનાથી રૅકેટ હાથમાં નથી લીધુંઃ રાફેલ નડાલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button