મેસી પહેલી જ પ્લે-ઑફમાં ગોલ ન કરી શક્યો એમ છતાં ઇન્ટર માયામીની ટીમ…

ફોર્ટ લૉડરડેલ (અમેરિકા): અહીં શુક્રવારે મેજર લીગ સૉકર (એમએલએસ)માં આર્જેન્ટિનાનો વર્લ્ડ ચૅમ્પિયન ફૂટબોલર લિયોનેલ મેસી પહેલી વાર પ્લે-ઑફમાં રમ્યો હતો અને તે ઇન્ટર માયામી વતી આ મૅચમાં એક પણ ગોલ નહોતો કરી શક્યો, પરંતુ તે ટીમના બન્ને ગોલમાં મદદરૂપ થયો હતો અને તેની ટીમ બેસ્ટ-ઑફ-થ્રી પ્લે ઑફના પ્રથમ મુકાબલામાં વિજયી થઈ હતી. માયામીએ ઍટલાન્ટા યુનાઇટેડની ટીમને 2-1થી હરાવી હતી.
મેસીએ વારંવાર ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ હરીફ ખેલાડીઓએ તેને સફળ નહોતો થવા દીધો. જોકે મેસીએ યોગ્ય સમયે સાથીઓને ગોલ માટે આસિસ્ટ કર્યા હતા અને તેની મદદથી બીજી મિનિટમાં લુઇસ સુઆરેઝ તેમ જ 60મી મિનિટમાં જૉર્ડી અલ્બા ગોલ કરવામાં સફળ થયો હતો. ઍટલાન્ટા વતી એકમાત્ર ગોલ સાબા લૉબ્ઝાનિઝે 39મી મિનિટમાં કર્યો હતો. અલ્બાનો 60મી મિનિટનો ગોલ મૅચ-વિનિંગ નીવડ્યો હતો.
મેસી પહેલી જ વખત એમએલએસના પ્લે-ઑફમાં રમ્યો હતો અને પોતાની ટીમને વિજય અપાવ્યો.
ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન ડેવિડ બેકહૅમ ઇન્ટર માયામાની ટીમનો સહ-માલિક છે. મેસીએ આ ટીમને એમએલએસની રેગ્યુલર સીઝનમાં વિક્રમજનક 74 પૉઇન્ટ અને .765ના વિનિંગ પર્સન્ટેજ સાથે નંબર-વન ટીમ બનાવી છે.
પ્લે-ઑફનો બીજો મુકાબલો બીજી નવેમ્બરે ઍટલાન્ટામાં અને (જરૂર પડશે તો…) ત્રીજો મુકાબલો નવમી નવેમ્બરે ફોર્ટ લૉડરડેલમાં યોજાશે.
દરમ્યાન, મેસીએ શુક્રવારની પ્લે-ઑફમાં જે કંઈ કર્યું એ ટિકટૉક પર બતાવવામાં આવ્યું હતું. મેસીના મેદાન પરના દરેક મૂવ, દરેક કિક અને ગોલ તરફ શૉટ મારવાના દરેક પ્રયાસને રેકૉર્ડ કરી લેવામાં આવ્યું હતું. બીજી રીતે કહીએ તો ‘મેસી-કૅમ’ સક્રિય કરાયો હતો અને એમએલએસના ટિકટૉક અકાઉન્ટ પર અપલોડ કરાયો હતો.