આઇસીસીના આદેશ છતાં બાંગ્લાદેશ ટસનું મસ નથી થતું, માત્ર બે વિકલ્પ છે એના ક્રિકેટરો પાસે

દુબઈ/ઢાકાઃ આગામી ફેબ્રુઆરીના મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના ક્રિકેટરો અસલામતીના કારણસર ભારતમાં મૅચો નહીં રમે એટલે તેમની મૅચો શ્રીલંકામાં રાખવા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ જે માગણી કરી હતી એને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઠુકરાવી દીધી ત્યાર બાદ હવે બીસીબી ટસનું મસ થવી તૈયાર નથી અને એ માહોલમાં એની પાસે હવે બે વિકલ્પ બાકી રહ્યા છે.
બાંગ્લાદેશ (BANGLADESH)ના ક્રિકેટરોએ હવે આઇસીસીના શેડ્યૂલ અનુસાર ભારતમાં મૅચો રમવી પડશે અથવા ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું લઈ લેવું પડશે. ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ત્રણ મૅચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં અને એક મૅચ મુંબઈના વાનખેડેમાં રમાવાની છે. ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવાનું બીસીબી માટે શક્ય નથી કારણકે એની ભવિષ્યમાં એના માટે વિપરીત અસર જોવા મળી શકે.
અગાઉ અહેવાલ મળ્યો હતો કે બાંગ્લાદેશને કોલકાતા-મુંબઈને બદલે ચેન્નઈ અથવા હૈદરાબાદમાં રમવાનું કહેવામાં આવશે. જોકે એ અહેવાલને હજી સુધી પુષ્ટિ નથી મળી.
દરમ્યાન બાંગ્લાદેશનું બોર્ડ ઝૂકવા તૈયાર નથી એવું પીટીઆઇના અહેવાલમાં જણાવાયું હતું. બીસીબીએ અનેક વખત આઇસીસીને વિનંતી કરી છે કે એની મૅચો ભારતમાંથી હટાવીને શ્રીલંકામાં રાખવામાં આવે. આઇસીસી શેડ્યૂલ બદલવા તૈયાર નથી અને બાંગ્લાદેશના ખેલાડીઓને ભારતમાં પૂરેપૂરી સલામતી મળી રહે એવી ખાતરી આપી રહી છે, જ્યારે બીસીબી ભારતમાં રમવા તૈયાર નથી જ. ટૂંકમાં, બન્ને પક્ષો વાટાઘાટ ચાલુ રાખવા સંમત થયા છે.
આપણ વાંચો: અનોખી અનુષ્કા શર્માઃ પહેલાં ધોકાથી, પછી પ્લાસ્ટિકના બૅટથી અને ત્યાર બાદ લાકડાંના બૅટથી રમી



