દિલ્હીમાં રખડતાં કૂતરા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના સ્ટેડિયમમાં પહોંચી ગયા!: જાણો, કોને-કોને કરડ્યા

નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં રખડતાં કૂતરા (Dog) કરડવાના કિસ્સા કોઈ નવી વાત નથી, પરંતુ એનો કડવો અનુભવ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા દરમ્યાન બે દેશના કોચને પણ થશે એવી તો કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. જોકે હકીકતમાં આવું બની ગયું છે.
આ આશ્ચર્યજનક અને ચોંકાવનારી ઘટના દિલ્હીમાં શારીરિક રીતે અક્ષમ ઍથ્લીટો (Athletes) માટેની વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં શુક્રવારે બની હતી. જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ (JN stadium)માં બે અલગ બનાવમાં કેન્યા અને જાપાનના કોચને શ્વાન કરડવાના કિસ્સા બન્યા હતા. જોકે બન્ને કોચને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ડૉક્ટરે તેમને ` આઉટ ઑફ ડેન્જર’ જાહેર કર્યા હતા.
આ પણ વાંચો : IND vs WI ટેસ્ટ મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાલી રહ્યું! BCCIના આ નીતિ સામે સવાલ ઉઠ્યા
કેન્યાના કોચ ડેનિસ મૅરાગિયા શુક્રવારે સવારે 10.00 વાગ્યે હરીફાઈના સ્થાનની બહાર કૉલ રૂમ નજીક ઊભા રહીને પોતાના એક ઍથ્લીટ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે એક રખડતું કૂતરું અચાનક તેમની પાસે દોડી આવ્યું હતું અને કોચને કરડ્યું હતું. ડેનિસ (Dennis)ના પગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તરત જ તબીબોની ટીમ તેમની પાસે દોડી આવી હતી અને ડેનિસને થોડી જ વારમાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. તેમને થોડી દવા પણ આપવામાં આવી હતી.
આયોજક મંડળના એક અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે જાપાનનાં મહિલા કોચ મેઇકો ઑકુમાત્સુને પણ રસ્તે રખડતું કૂતરું સ્ટેડિયમમાં ઘૂસી આવ્યા બાદ કરડ્યું હતું. મેઇકો જ્યારે હરીફાઈના સ્થળની નજીક પ્રૅક્ટિસ કરી રહેલા પોતાના દિવ્યાંગ ઍથ્લીટો પર નજર રાખવા ઊભાં હતાં ત્યારે તેમની નજીક આવી ગયેલું કૂતરું તેમને કરડ્યું હતું.
આ પણ વાંચો : રાહુલ-જુરેલે સેન્ચુરી કોને સમર્પિત કરી?: જાડેજાની જૂની ને જાણીતી સ્ટાઇલ પણ જોવા જેવી છે!
આયોજકોએ તમામ દિવ્યાંગ ઍથ્લીટો, તેમના કોચ તેમ જ તમામ અધિકારીઓના સ્વાસ્થ્ય અને સલામતીની ખાતરી આપી છે. તેમનું એવું કહેવું છે કે સ્ટેડિયમની નજીકના વિસ્તારોમાં રખડતાં કૂતરાંઓને નિયમિત રીતે ખાવાનું આપવામાં આવતું હોય છે અને એમાંના કોઈ કૂતરાં આસપાસની ઇમારતની અંદર ઘૂસી જતા હોય છે. એવા જ બે કિસ્સામાં કેન્યા અને જાપાનના કોચ સાથે આ ઘટના બની હતી.
સ્થાનિક સત્તાવાળાઓએ આ ઘટનાઓને પગલે બે ડૉગ-કૅચિંગ ટીમ સ્ટેડિયમની અંદર ગોઠવી છે જેઓ કૂતરાં દેખાતાં જ તેમને પકડી લેશે અને શેલ્ટર હોમમાં મોકલી દેશે.