
કોલકાતા: આઇપીએલ-2024ના પૉઇન્ટ્સ-ટેબલમાં સાવ તળિયેથી ટૉપ-ફોરની લગોલગ આવી પહોંચેલા દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન રિષભ પંતે ટૉસ જીત્યા પછી બૅટિંગ લીધી હતી, પણ તેની ટીમે શરૂઆતથી જ ધબડકો જોયો હતો અને 68 રનમાં પહેલી ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ પણ વધુ ધબડકો થયો અને છેવટે 20 ઓવરમાં નવ વિકેટે 153 રન થયા હતા અને યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સને 154 રનનો થોડો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો.
ખરેખર તો સિક્સર-હિટિંગની શ્રેણીબદ્ધ મૅચો પછી આ મૅચમાં એકંદરે એવી કોઈ ધમાલ નહોતી થઈ.
નવાઈની વાત એ છે કે નવમા નંબરે મોકલવામાં આવેલો રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવ (35 અણનમ, 26 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) તમામ બૅટર્સમાં ટૉપ-સ્કોરર હતો. તેના પછી રિષભ પંતના 27 રન બીજા નંબરે હતા. ઓપનર્સ પૃથ્વી શો (13) અને જેક ફ્રેઝર-મૅકગર્ક (12), અભિષેક પોરેલ (18), શાઇ હોપ (6) ટીમને ઉપયોગી યોગદાન આપવામાં નિષ્ફળ ગયા હતા.
પાવરપ્લેમાં દિલ્હીએ 67 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ ગુમાવી હતી. જોકે પંતના આઉટ થયા પછી (કુલદીપને બાદ કરતા) બાકીના બૅટર્સ સારું નહોતા રમી શક્યા. એક તબક્કે સ્કોર 8 વિકેટે 111 રન હતો.
અક્ષર પટેલ પણ માત્ર 15 રન અને ટ્રિસ્ટેન સ્ટબ્સ ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
કોલકાતાના છ બોલર્સમાં વરુણ ચક્રવર્તી ત્રણ વિકેટ, હર્ષિત રાણા તથા વૈભવ અરોરા બે-બે વિકેટ તેમ જ મિચલ સ્ટાર્ક એક અને સુનીલ નારાયણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. રસેલને 10 રનમાં વિકેટ નહોતી મળી.