વિશાખાપટ્ટનમ: રિષભ પંતના સુકાનમાં દિલ્હી કૅપિટલ્સે 31મી માર્ચે જ્યાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને પાંચ વખત ટ્રોફી જીતી ચૂકેલા ચેન્નઈ સુપર કિંગ્સને આ સીઝનની પહેલી હારનો સ્વાદ ચખાડ્યો એ જ સ્થળે હવે દિલ્હીની ટીમ બુધવારે બીજા ભૂતપૂર્વ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મુકાબલામાં ઉતરશે.
ચેન્નઈને હરાવીને દિલ્હીની ટીમમાં જોશ અને આત્મવિશ્ર્વાસ વધી જ ગયા હશે એટલે શ્રેયસ ઐયરની ટીમે તેમની સામે ખાસ તકેદારી રાખવી પડશે. જોકે કોલકાતાની ટીમ જીતી જશે તો એણે આ વખતે વિજયની હૅટ-ટ્રિક મેળવી કહેવાશે. દિલ્હીના બોલર્સને યાદ હશે જ કે 29મી માર્ચે કોલકાતાના બૅટર્સે બેન્ગલૂરુના બોલર્સની ખૂબ ધુલાઈ કરી હતી.
જોકે દિલ્હીની ટીમ એના ઓપનર્સ પૃથ્વી શો અને ડેવિડ વૉર્નરની મજબૂત ઓપનિંગ ભાગીદારી પર વધુ મદાર રાખશે. દિલ્હી પાસે પાવર-હિટર્સની તંગી છે અને એ કામ બુધવારે કોલકાતા સામે મિડલના બૅટર્સ ટ્રાયસ્ટન સ્ટબ્સ તથા મિચલ માર્શ પૂરું કરશે તો દિલ્હીનું જીતવું આસાન થઈ જશે.
દિલ્હીને પેસ બોલર્સ તરફથી સતત સારો પર્ફોર્મન્સ મળવો જરૂરી છે. મુકેશ કુમાર વિકેટ-ટેકિંગ બોલર છે, પણ એન્રિક નોર્કિયાએ રિધમ પાછું મેળવવું જ પડશે. બાકી, 31મી માર્ચે ખલીલ અહમદે બે વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવ્યો એ સાથે તેનો જોશ અનેકગણો વધી ગયો હશે.
કોલકાતા વતી હર્ષિત રાણાએ બે મૅચમાં પાંચ વિકેટ લઈને ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોને પ્રભાવિત કર્યા છે, પણ 24.75 કરોડ રૂપિયાના સૌથી ઊંચા ભાવે ખરીદવામાં આવેલા મિચલ સ્ટાર્કે દિલ્હીને પોતાનો સ્પાર્ક બતાવવો જ પડશે.
Taboola Feed