દીપ્તિ શર્મા જીતી ડિસેમ્બરનો પ્લેયર ઑફ ધ મન્થ પુરસ્કાર: મેન્સ અવૉર્ડ કમિન્સને મળ્યો

દુબઈ: ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ડિસેમ્બર, 2023 માટેના વિમેન્સ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ માટે ભારતની ઑલરાઉન્ડર દીપ્તિ શર્માની પસંદગી કરી છે. મેન્સ અવૉર્ડ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સને આપવામાં આવી રહ્યો છે.
દીપ્તિએ ખાસ કરીને ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં અસાધારણ ઑલરાઉન્ડ પર્ફોર્મ કર્યું હતું. તેણે ઉત્કૃષ્ટ દેખાવ કરીને ભારતને વિજય અપાવ્યા હતા. તેણે આ પુરસ્કાર માટે પોતાની પસંદગી થવા બદલ ગૌરવ અનુભવતાં સોશ્યલ મીડિયામાં લખ્યું, ‘હું મારા પર્ફોર્મન્સથી બેહદ ખુશ છું અને એનું પ્રતિબિંબ ભારતને મજબૂત હરીફ ટીમો સામે જિતાડવામાં પાડી શકી એનો પણ મને બેહદ આનંદ છે. હું તનતોડ મહેનત કરવાનું ચાલુ જ રાખીશ કે જેથી ભવિષ્યમાં આવી વધુ ક્ષણો માણી શકું.’
દીપ્તિએ આ પુરસ્કાર જીતવા ભારતની જ જેમાઇમા રૉડ્રિગ્સ અને ઝિમ્બાબ્વેની પ્રીસિયસ મારાન્ગે સાથે હરીફાઈમાં ઉતરવું પડ્યું હતું અને એમાં બંને કરતાં ચડિયાતા પર્ફોર્મન્સ બદલ અવૉર્ડ જીતી શકી છે.
પૅટ કમિન્સ ઉપરાંત ન્યૂ ઝીલૅન્ડનો બૅટર ગ્લેન ફિલિપ્સ અને બાંગલાદેશનો તૈજુલ ઇસ્લામ પણ મેન્સ અવૉર્ડ માટે દાવેદાર હતા. જોકે કમિન્સે ખાસ કરીને પાકિસ્તાન સામેની મેલબર્ન ટેસ્ટના બીજા દાવના પાંચ વિકેટના પર્ફોર્મન્સથી ઑસ્ટ્રેલિયાને જે શાનદાર વિજય અપાવ્યો એના પૉઇન્ટ્સ બદલ તેને અવૉર્ડ મળી શક્યો છે.