કિશન અને શ્રેયસને કૉન્ટ્રૅક્ટમાંથી બહાર કરવાનો નિર્ણય મારો નહીં, પણ….: જય શાહે કર્યો ખુલાસો

મુંબઈ: માર્ચમાં આઇપીએલ-2024ની સીઝન શરૂ થઈ એ પહેલાં ઇશાન કિશન અને શ્રેયસ ઐયરને બીસીસીઆઇના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર કરી નાખવાના મુદ્દે ખૂબ ચર્ચાઓ થઈ હતી. ખાસ કરીને બીસીસીઆઇના આગ્રહ અને હેડ-કોચ રાહુલ દ્રવિડની સલાહ છતાં ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું તેમણે ટાળ્યું એ બદલ તેમની સામે પગલાં લેવામાં આવ્યા હતા. આવા મોટા ખેલાડી સામે પગલાં ભરવામાં આવે એ નિર્ણય વિશેષ કરીને કોણે લીધો એ વાત સામાન્ય રીતે બહાર નથી આવતી, માત્ર એટલું જ કહેવામાં આવે છે કે બીસીસીઆઇ દ્વારા પગલાં ભરવામાં આવ્યા. ગયા વર્ષે કિશન વન-ડેના વર્લ્ડ કપ પછી લાંબા બ્રેક પર જતો રહ્યો હતો અને આઇપીએલ સુધી ટીમ ઇન્ડિયા માટે ઉપલબ્ધ નહોતો રહ્યો. શ્રેયસ રહી-રહીને રણજી ટ્રોફીમાં રમ્યો હતો. તે મુંબઈ વતી રણજી સેમિ ફાઇનલ અને ફાઇનલમાં રમ્યો હતો.
જોકે કિશન અને ઐયરની બાબતમાં સનસનાટીભરી વાત બહાર આવી છે. ખુદ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જ કહ્યું છે કે કિશન અને ઐયરને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટની બહાર કરી નાખવાનો નિર્ણય માત્ર ચીફ સિલેક્ટર અજિત આગરકરનો હતો.
કોઈ પણ ખેલાડી મહત્ત્વનો કહેવાય, પણ અનિવાર્ય નથી હોતો. તેના વગર ન ચાલે એવું હોય જ નહીં એવા અર્થમાં જય શાહે બીસીસીઆઇના કાર્યાલયમાં પત્રકારો સાથેની વાતચીતમાં ભારપૂર્વક કહ્યું હતું કે ‘તમે બીસીસીઆઇનું બંધારણ તપાસી શકો છો. હું તો સિલેક્શન કમિટીની મીટિંગનો માત્ર ક્ધવીનર છું. મીટિંગનો અમલ બરાબર થાય એ જોઉં છું. કિશન અને શ્રેયસની બાબતમાં લેવાયેલો નિર્ણય ચીફ સિલેક્ટર આગરકરનો હતો. મેં માત્ર એ નિર્ણયનો અમલ કર્યો હતો. આપણને તો તેમના સ્થાને નવા પ્લેયર મળ્યા છે. જેમ કે સંજુ સૅમસન. કોઈના વિના કામ ન થાય એવું હોતું જ નથી.’
જય શાહે ભારપૂર્વક એવું પણ કહ્યું હતું કે ‘ક્રિકેટ બોર્ડ ઇચ્છે છે કે ભારતીય ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટને અગ્રક્રમ આપવો જ પડશે.’
ફેબ્રુઆરીમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલાં જય શાહે કહ્યું હતું કે ‘ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવાની આવશ્યકતાની બાબતમાં જે ખેલાડી ભારતીય કૅપ્ટન અને ટીમ-મૅનેજમેન્ટનું કહ્યું ન કરે તેની સામે કોઈ પણ પગલાં લેવાનો ચીફ સિલેક્ટર નિર્ણય લે એને હું પૂરો સપોર્ટ આપીશ.’
કિશન-ઐયરની હકાલપટ્ટી બાદ પોતે બન્ને ખેલાડી સાથે વાતચીત કરી હતી અને એના અહેવાલો અખબારોમાં છપાયા હતા. જય શાહે આ સંદર્ભમાં કહ્યું, ‘હાર્દિક પંડ્યાએ મને ત્યારે કહેલું કે જો બીસીસીઆઇ મને ડોમેસ્ટિક ક્રિકેટની વ્હાઇટ-બૉલ ફૉર્મેટની ટૂર્નામેન્ટમાં રમવાનું કહેશે તો હું વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમવા તૈયાર છું.’ આ વિશે જય શાહે પત્રકારોને કહ્યું, ‘કોઈ પણ ખેલાડીએ બીસીસીઆઇ ઇચ્છે એમાં રમવું પડે.’
જય શાહે ઇશાન કિશનનો ફરી ઉલ્લેખ કરતાં પહેલાં આઇપીએલમાંની હાલની હાઈ-સ્કોરિંગ વિશે પૂછાતાં કહ્યું, ‘આખરે તો જે ખેલાડી સારું રમે તેણે પોતાનો સારો પર્ફોર્મન્સ જાળવી રાખવો પડતો હોય છે. આઇપીએલમાં જે કોઈ પણ રમે, જેમ કે ઇશાન કિશન, તેને ભારતીય ટીમમાં ફરી જગ્યા મેળવવી મુશ્કેલ થઈ જાય, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સ વતી તે રમી જ શકે છે. એમાં તે રિલેક્સ મૂડમાં રમી શકે. ટીમ ઇન્ડિયા વતી રમો ત્યારે પોતાની ક્ષમતા અને કાબેલિયત સાબિત કરવી પડે, બૅક-ટુ-બૅક સારા પર્ફોર્મન્સ આપવા પડે. એ સ્થિતિને બરાબર સંભાળી શકે એ જ ખરો ખેલાડી કહેવાય.’
મુંબઈ ઇન્ડિયન્સની ગુજરાત ટાઇટન્સ સામેની મૅચ પછી જય શાહે ઇશાન કિશન સાથે ચર્ચા કરી હતી. એ વાતચીતની વિગતો પણ જય શાહે જાહેર કરતા કહ્યું, ‘ના, મેં તેને કોઈ સલાહ નહોતી આપી. અમારી વાતચીત ખૂબ મિત્રતાના ભાવ સાથે થઈ હતી. મેં તેને કહ્યું કે તેણે સારું રમવું પડશે. હું બધા ખેલાડીઓ સાથે આ જ પ્રમાણે વાતચીત કરતો હોઉં છું.’
ડોમેસ્ટિક પ્લેયર્સ માટેની મૅચ-ફી વધારવામાં આવી હોવા વિશે પ્રગટ થયેલા કેટલાક અહેવાલો વિશે પૂછાતાં જય શાહે કહ્યું, ‘અમે પ્લેયરો માટેના પેમેન્ટ વધાર્યા જ છે. ટેસ્ટ ક્રિકેટ રમનારા માટેની સવલતો પણ વધારી છે. 2022માં અમે એ પેમેન્ટમાં 100 ટકાનો વધારો કર્યો હતો.’