Davis Cup….ભારતીય ટેનિસ ખેલાડીઓ 60 વર્ષે પાકિસ્તાનમાં, શનિવારે ડેવિસ કપની પહેલી મૅચ રમશે

ઇસ્લામાબાદ: 2008ના મુંબઈ ટેરર અટૅક પછી (16 વર્ષથી) ભારતે ક્રિકેટરોને પાકિસ્તાન નથી મોકલ્યા અને હજી કોણ જાણે બીજા કેટલા વર્ષ નહીં મોકલે, કારણકે સરહદ પર પાકિસ્તાન સખણું નથી રહેતું અને ભારત-વિરોધી આતંકવાદીઓને તાલીમ આપી જ રહ્યું છે તેમ જ વિશ્વ સ્તરે પણ ભારત-વિરોધી વલણ અપનાવતું રહ્યું છે. જોકે ખેલકૂદને બંને દેશ વચ્ચેના રાજકારણથી અલગ રાખવાની નીતિને થોડેઘણે અંશે અપનાવીને સરકારે ટેનિસ ખેલાડીઓને પાકિસ્તાન જવા દીધા છે.
નવાઈની વાત એ છે કે ભારતીય ટેનિસ ખેલાડીઓ છ દાયકા પછી પાકિસ્તાન ગયા હોવાનો કિસ્સો બન્યો છે. ભારતીય ટેનિસ પ્લેયરો ડેવિસ કપના મુકાબલામાં રમવા ગયા છે. છેલ્લે 1964માં ભારતીય પ્લેયરો પાકિસ્તાન રમવા ગયા હતા.
ડેવિસ કપમાં ભારત ક્યારેય પણ પાકિસ્તાન સામે હાર્યું નથી. તમામ સાતેય મુકાબલામાં ભારતનો વિજય થયો છે.
ભારતની ટીમમાં મુખ્ય ખેલાડીઓ નથી, પણ રામકુમાર રામનાથન, શ્રીરામ બાલાજી, યુકી ભાંબરી અને સાકેત માયનેની ભારતને ગૌરવ અપાવવા કોઈ જ કસર બાકી નહીં રાખે. શનિવારે પ્રથમ સિંગલ્સ મૅચ રામકુમાર રામનાથન અને એક સમયના રોહન બોપન્નાના ડબલ્સના જોડીદાર ઐસામ અલ હક કુરેશી વચ્ચે રમાશે.
ઝીશાન અલી ભારતનો નૉન-પ્લેઇંગ કૅપ્ટન છે.