બ્રિટિશ પ્રેક્ષકોને ડેવિડ વૉર્નરની ટકોર, `મારો હુરિયો ભલે બોલાવો, પણ…’

લંડનઃ ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર ડેવિડ વૉર્નર ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડ' નામની ક્રિકેટ સ્પર્ધામાં પહેલી જ વાર રમવાનો છે અને એ વિશે તેણે ઇંગ્લૅન્ડના જ ક્રિકેટપ્રેમીઓને ટકોર કરવાની સાથે વિનંતી કરી છે કે
તમે મારો હુરિયો ભલે બોલાવો, પણ હું જે ટીમ વતી રમું એ ટીમનો કે બીજા કોઈનો હુરિયો નહીં બોલાવતા.’
38 વર્ષનો વૉર્નર 100-100 બૉલવાળી ધ હન્ડ્રેડ' ટૂર્નામેન્ટમાં લંડન સ્પિરિટ નામની ટીમ વતી રમશે. તે ભૂતકાળમાં ઑસ્ટ્રેલિયા વતી જ્યારે પણ ઇંગ્લૅન્ડમાં રમ્યો છે ત્યારે કેટલાક પ્રેક્ષકોએ તેની સાથે દ્વેષભર્યું વર્તન બતાવ્યું છે અને તેનો હુરિયો બોલાવ્યો છે.
આપણ વાંચો: ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર ગાવસકરના સન્માન સાથે વાનખેડેની ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનનો આરંભ
2023ની ઍશિઝ ટેસ્ટ સિરીઝ વખતે વૉર્નર સાથેની કટુતા લૉર્ડ્સના સ્ટેડિયમમાં છેક લૉન્ગ રૂમ સુધી જોવા મળી હતી. વિકેટકીપર જૉની બેરસ્ટૉએ એક સ્ટમ્પિંગ કરી હતી જેના પર મોટો વિવાદ થયા બાદ વૉર્નર અને સાથી બૅટર ઉસમાન ખ્વાજા પૅવિલિયનમાં પાછા આવ્યા ત્યારે ખાસ કરીને વૉર્નરનો હુરિયો બોલાવાયો હતો તેમ જ ક્રિકેટના કાયદા ઘડતી મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી)ના અમુક મેમ્બર્સ સાથે વૉર્નર-ખ્વાજાએ બોલાચાલી પણ કરવી પડી હતી.
જોકે ઘટનાને પગલે એમસીસીના ત્રણ મેમ્બરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વૉર્નરે
ધ હન્ડ્રેડ’માં શરૂ થનારી પોતાની પ્રથમ ઇનિંગ્સ' વિશે એક મુલાકાતમાં પૂછવામાં આવતાં કહ્યું હતું કે
હું તો ઇચ્છું છું કે તેઓ (પ્રેક્ષકો) ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ સામે આક્રમક વલણ બતાડે. એવું બધું મને ખૂબ ગમે. એને લીધે જ હું મેદાન પર વધુ જોશમાં આવીને રમી લેતો હોઉં છું. જોકે પ્રેક્ષકોને મારી વિનંતી છે કે મારો હુરિયો ભલે બોલાવજો, પરંતુ હું જે ટીમ વતી રમતો હોઉં એની વિરુદ્ધ ખોટી બૂમાબૂમ નહીં કરતા.’
આપણ વાંચો: ભારત સામેની પહેલી ટેસ્ટમાં આ નવો બૅટર રમશે ઓપનિંગમાં, ઑસ્ટ્રેલિયાએ જાહેર કરી ટીમ…
લૉર્ડ્સમાં પણ ધ હન્ડ્રેડ'ની મૅચો રમાશે અને આ ઐતિહાસિક સ્ટેડિયમમાં જે ચૅન્જિંગ રૂમ છે ત્યાં સુધી જવા માટે ખેલાડીઓએ લૉન્ગ રૂમ પાસેથી પસાર થવું પડે.
વૉર્નરે કહ્યું,
લૉર્ડ્સમાં મૅચ રમાશે ત્યારે મારી સાથે કેવો વર્તાવ થશે એ વિશે હમણાં હું કંઈ ન કહી શકું, પણ એટલું જરૂર કહીશ કે ચૅન્જિંગ રૂમ સુધી પહોંચવા મારે લૉન્ગ રૂમ પાસેથી પસાર થવું પડશે એટલે જોઈએ મારી સાથે કેવું વર્તન કરવામાં આવે છે. હા, ખાસ કહી દઉં કે આ વખતે હું ઑસ્ટ્રેલિયા વતી નહીં રમતો હોઉં, લંડન સ્પિરિટ ટીમ વતી રમતો હોઈશ. જોઈએ હવે પ્રેક્ષકો આંતરરાષ્ટ્રીય મૅચ વખતે જે વર્તન કરતા હોય છે એવું જ વર્તન `ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટ માટે પણ કરશે?’