અમેરિકામાં બૉક્સ ક્રિકેટના સ્ટાફરે ડેલ સ્ટેનને બોલિંગ શીખવી!
ન્યૂ યૉર્ક: અમેરિકામાં ક્રિકેટ હજી શૈશવકાળમાં છે એટલે સ્વાભાવિક છે કે ત્યાંના લોકો ક્રિકેટજગતના દિગ્ગજોથી પરિચિત ન જ હોય. બની શકે કે કોઈ જાણીતો ક્રિકેટર અમેરિકામાં કોઈ જાહેર સ્થળે જાય તો તેને કોઈ ન પણ ઓળખે.
થોડા દિવસ પહેલાં અમેરિકામાં આવું જ બન્યું. ટી-૨૦ વર્લ્ડ કપ જેવી સર્વોચ્ચ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ હોવાથી આ દેશમાં ક્રિકેટની મહાન રમત પ્રત્યે ઘણાનું ધ્યાન ખેંચાયું હશે. જોકે ક્યારેક એવું બનતું હોય છે કે કોઈની નિર્દોષતા કોઈના માટે રમૂજ બની જાય છે.
સાઉથ આફ્રિકાનો મહાન ફાસ્ટ બોલર ડેલ સ્ટેન (Dale Steyn) તાજેતરમાં અમેરિકામાં એક મૉલમાં બૉક્સ ક્રિકેટ (ટર્ફ ક્રિકેટ)માં રમવાની તક ઝડપી લેવા ગયો ત્યારે તેને મજાનો અનુભવ થયો હતો જેનો વિડીયો વાઇરલ થયો છે અને એને ૮૪,૦૦૦ લાઈક્સ મળ્યા છે તેમ જ એના વિશે ૭૨૩ કમેન્ટ્સ થઈ છે.
૪૧ વર્ષનો ડેલ સ્ટેન ૨૦૨૦માં રિટાયર થયો હતો. તેણે ૨૭૫ જેટલી ઇન્ટરનૅશનલ મૅચમાં કુલ ૭૦૦ જેટલી વિકેટ લીધી હતી. આઇપીએલમાં તે ડેક્કન ચાર્જર્સ, રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલોર, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત લાયન્સ વતી રમ્યો હતો.
ડેલ સ્ટેન અમેરિકાના મૉલમાં બૉક્સ ક્રિકેટમાં હાથ છૂટા કરવા ગયો ત્યારે ત્યાંનો સ્ટાફર યુવાન તેને ઓળખી નહોતો શક્યો. પોતે ક્રિકેટજગતના એક સમયના સૌથી ડેન્જરસ ફાસ્ટ બોલર ડેલ સ્ટેન સાથે વાત કરી રહ્યો છે એનો એ યુવાનને લેશમાત્ર અણસાર નહોતો. સ્ટેને બોલિંગ કરવાની ઇચ્છા બતાવી ત્યારે સૌથી પહેલાં તો યુવાને તેને બોલિંગ કેવી રીતે કરવી એ વિશે થોડી ટિપ્સ આપી હતી. સમજ આપવાની સાથે યુવાને રન-અપ પર દોડ્યા પછી પરફેક્ટલી બૉલ કેવી રીતે ફેંકવો એ બોલિંગ ઍક્શનથી સ્ટેનને શીખવ્યું હતું.
આ પણ વાંચો : સાંસદ બન્યાના બીજા દિવસે Kangana Ranautને Chandigarh Airport પર પડ્યો તમાચો, વીડિયો થયો વાઈરલ…
‘ટ્રેઇનિંગ સેશન દરમ્યાન’ સ્ટેને ધ્યાનપૂર્વક તેની વાત સાંભળી હતી અને પોતે કોણ છે એનો તેને જરાય સંકેત નહોતો આપ્યો. ત્યાં બીજું કોઈ હાજર પણ નહોતું એટલે યુવાન નિર્દોષ ભાવે તેને સમજાવતો રહ્યો હતો અને સ્ટેને તેની પાસેથી પૂરું શીખી લીધું હોય એવો ચહેરા પર ભાવ બતાવીને બોલિંગ કરવા તેની પાસે બૉલ માગ્યો હતો. સ્ટેને પહેલા જ બૉલમાં સ્ટમ્પ્સ ઉડાડી દીધા હતા. એ યુવાને તેના એ સફળ પ્રયાસને બિરદાવ્યો હતો અને સ્ટેન કૅમેરા સામે આવીને મરક-મરક હસ્યો હતો.