વીક એન્ડસ્પોર્ટસ

સ્પોર્ટ્સ મૅન : ભારતનો ડી. ગુકેશ ચેસ જગતનો નવો સમ્રાટ બનશે?

  • અજય મોતીવાલા

ભારતીય ટીનેજર અને ચીનના વર્લ્ડ ચૅમ્પિયન લિરેન વચ્ચેના મુકાબલાનો સમય બહુ નજીક આવી ગયો
ચીનના ડિન્ગ લિરેન અને ભારતના ડી. ગુકેશ વચ્ચે અત્યાર સુધીમાં પાંચ મુકાબલા થયા છે. બે વખત લિરેન જીત્યો છે અને ત્રણ ગેમ ડ્રૉમાં પરિણમી છે. ગુકેશને તેની સામે પહેલી વાર જીતવાનો સુવર્ણ મોકો છે.

ફિલિપીન્સમાં જન્મેલો અને ૧૦ વર્ષથી અમેરિકામાં રહેતા ચેસ ગ્રૅન્ડમાસ્ટર વેસ્લી બાર્બોસાનું દૃઢપણે માનવું છે કે ભારતનો ડી. ગુકેશ ચેસ જગતનો નવો શહેનશાહ બનવાની તૈયારીમાં છે. વેસ્લી કહે છે, ‘ગુકેશ અને ચીનના વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેન વચ્ચેની આ મહિનાની હરિફાઈમાં મારો ફેવરિટ ખેલાડી તો ગુકેશ જ છે.

હાલમાં ગુકેશ જબરદસ્ત ફૉર્મમાં છે. વર્લ્ડ ચૅમ્પિયનપદ માટે ગુકેશ માત્ર મારો જ નહીં, ઘણા ગ્રૅન્ડ માસ્ટર્સનો ફેવરિટ છે. હું જાણું છું કે ૯૯.૯ લોકો ગુકેશના જ વિશ્ર્વવિજેતાપદની રાહ જોઈ રહ્યા હશે અને એ લોકોમાં હું પણ સામેલ છું.’
આગામી ૨૫મી નવેમ્બર-૧૩મી ડિસેમ્બર દરમ્યાન સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપ યોજાવાની છે.

તામિલનાડુના ચેન્નઈ શહેરનો ૧૮ વર્ષીય ખેલાડી ગુકેશ દોમ્મારાજુ ચેસ જગતમાં ડી. ગુકેશ તરીકે જાણીતો છે. તે તાજેતરની કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ જીત્યો હોવાથી તેને ચીનના ૩૨ વર્ષીય વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેન સામે રમવાનો મોકો મળ્યો છે. આ બેમાંથી જે જીતશે તે ચેસ જગત પર વિશ્ર્વવિજેતા તરીકે રાજ કરશે.


Aslo read: ડી. ગુકેશ… ભારતનો નવો ચેસ-નરેશ


ડી. ગુકેશનો જન્મ ૨૦૦૬ની ૨૯મી મેએ ચેન્નઈમાં તેલુગુ પરિવારમાં થયો હતો. તેનો પરિવાર મૂળ આંધ્ર પ્રદેશનો છે. તેના પિતા ડૉ. રજનીકાંત આંખ, નાક, ગળાના સર્જન (ઇએનટી સર્જન) છે. ગુકેશના મમ્મી ડૉ. પદમા માઇક્રોબાયોલૉજિસ્ટ છે.
ગુકેશ માત્ર સાત વર્ષનો હતો ત્યારથી ચેસ રમે છે. ત્યારે તે અઠવાડિયાના ત્રણ દિવસ દરરોજ એક કલાક ચેસ રમતો હતો. જોકે પછીથી તેનું ચેસ રમવાનું વધતું ગયું હતું અને ટૂર્નામેન્ટમાં ભાગ લેવા લાગ્યો હતો.

ગુકેશે નાનપણથી જ ટ્રોફી જીતવાની શરૂઆત કરી હતી. ૨૦૧૫માં તે હજી નવ વર્ષનો પણ નહોતો થયો ત્યાં એશિયન સ્કૂલ ચેસ ચૅમ્પિયનશિપમાં અન્ડર-૯ વર્ગનું ટાઇટલ જીત્યો હતો. ત્યાર બાદ તેણે તરત જ ઊંચી છલાંગ લગાવી હતી. ૨૦૧૮માં તે અન્ડર-૧૨ કૅટેગરીમાં વર્લ્ડ યુથ ચેસ ચૅમ્પિયનશિપ જીત્યો હતો. એ સ્પર્ધામાં તે રૅપિડ તથા બ્લિટ્ઝ સ્પર્ધામાં કુલ પાંચ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને સૌકોઈને તેણે ત્યારે પોતાની ટૅલન્ટથી ચોંકાવી દીધા હતા.

ગુકેશ ૨૦૧૭માં ઇન્ટરનૅશનલ ગ્રૅન્ડમાસ્ટર (આઇએમ) બની ચૂક્યો હતો અને ૨૦૧૯માં ૧૨ વર્ષ, ૭ મહિના અને ૧૭ દિવસની ઉંમરે તે ચેસના ઇતિહાસનો બીજા નંબરનો સૌથી યુવાન ગ્રૅન્ડમાસ્ટર (જીએમ) બની ગયો હતો. ત્યારે માત્ર યુક્રેનનો સર્ગે કાર્યાકિન તેનાથી આગળ હતો અને એ પણ માત્ર ૧૭ દિવસના અંતર સાથે. જોકે નવાઈની વાત એ છે કે જૂન, ૨૦૨૧માં ભારતનો જ અભિમન્યુ મિશ્રા ફક્ત ૧૨ વર્ષ, ૪ મહિના, ૨૫ દિવસની નાની ઉંમરે ચેસ વિશ્ર્વનો યંગેસ્ટ ગ્રૅન્ડમાસ્ટર બન્યો હતો અને તેણે એક ઝાટકે યુક્રેનના સર્ગેને તેમ જ ભારતના જ ગુકેશને અનુક્રમે બીજા-ત્રીજા નંબર પર મોકલી દીધા હતા.

ફરી ગુકેશની વાત કરીએ તો ૨૦૨૪નું વર્ષ તેના માટે ખૂબ જ નસીબવંતુ રહ્યું છે એટલે હવે આગામી વિશ્ર્વ સ્પર્ધા જીતીને નવો વર્લ્ડ ચૅમ્પિયન બનવા માટે પણ તેના ગ્રહો જોર કરી રહ્યા હશે એવું માની શકાય. એપ્રિલ, ૨૦૨૪માં ગુકેશ ૧૮ વર્ષની ઉંમરે કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ જીતનારો વિશ્ર્વનો સૌથી યુવાન ખેલાડી બન્યો હતો અને એ સ્પર્ધા જીતવા બદલ તેને ચીનના ડિન્ગ લિરેનને વિશ્ર્વ વિજેતાપદ માટે પડકારવાનો મોકો મળ્યો છે.

ચીનના લિરેને ગુકેશથી ખૂબ ચેતવા જેવું છે. એના કેટલાક સજ્જડ કારણો છે. ગયા મહિને ગુકેશ પહેલી જ વાર ફિડે વર્લ્ડ ટૉપ-ફાઇવમાં આવ્યો હતો. તેની ટૅલન્ટથી વિશ્ર્વભરના ગ્રૅન્ડમાસ્ટર્સ પ્રભાવિત થયા છે. થોડા અઠવાડિયા પહેલાં ચીનના ડિન્ગ લિરેને એક મોટી સ્પર્ધામાં ગુકેશ સામે રમવાનું ટાળ્યું હતું.

ગુકેશે થોડા મહિના પહેલાં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન અને હાલના વર્લ્ડ નંબર-વન નોર્વેના મૅગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. ખુદ કાર્લસન અત્યારે એવું માને છે કે આગામી વર્લ્ડ ચૅમ્પિયનશિપ ગુકેશ જ જીતશે. કાર્લસને કહ્યું, ‘મારા માટે તો ગુકેશ જ ચૅમ્પિયન બનવા માટે ફેવરિટ છે. તે જો શરૂઆતની એકાદ-બે ગેમ જીતશે તો તેના હાથે વાઇટ-વૉશ જ થઈ જશે.’
વિશ્વનાથન આનંદ ભારતનો ચેસ-લેજન્ડ છે.


Aslo read: ભારતના ચેસ ચૅમ્પિયન ગુકેશથી ચીન ડરી ગયું કે શું?


તેના પછી (૧૦ વર્ષ બાદ) ગુકેશ એવો પ્રથમ ભારતીય પ્લેયર છે જે વર્લ્ડ ચૅમ્પિયન બનવા માટે વર્તમાન વિશ્ર્વ વિજેતાને પડકારશે. આનંદ છેલ્લે ૨૦૧૪માં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં રમ્યો હતો ત્યારે ગુકેશ માંડ આઠ વર્ષનો હતો. જોકે હવે તે ભારત વતી ચેસ જગતમાં આનંદનો અનુગામી બનવાની તૈયારીમાં છે. ઑલ ધ બેસ્ટ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button