દ. આફ્રિકામાં પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર
અર્શદીપ સિંહે રચ્યો ઇતિહાસ
જ્હોનિસબર્ગ: ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચ્યો હતો. તેણે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં તરખાટ મચાવ્યો હતો. જ્હોનિસબર્ગમાં રમાયેલી આ મેચમાં અર્શદીપે ૩૭ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તે દક્ષિણ આફ્રિકામાં વન-ડેમાં પાંચ વિકેટ ઝડપનાર ભારતનો પ્રથમ ઝડપી બોલર બન્યો હતો. આ સિવાય તેણે બીજા ઘણા રેકોર્ડ પણ બનાવ્યા હતા.
ભારતીય ઝડપી બોલરોએ ઘાતક બોલિંગ કરીને આફ્રિકાની ટીમને ૧૧૬ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. અર્શદીપે પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે અવેશ ખાનને ચાર સફળતા મળી હતી. એક વિકેટ કુલદીપ યાદવને મળી હતી. અર્શદીપે રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી જ્યોર્ગી, રાસી વાન ડેર ડ્યુસેન, હેનરિક ક્લાસેન અને એન્ડીલે ફેહલુકવાયોને આઉટ કર્યા હતા. અર્શદીપ અને અવેશની ફાસ્ટ બોલિંગ જોડીએ કુલ નવ વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે મેચમાં ભારતના ઝડપી બોલરોનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા ૧૯૯૩માં મોહાલીમાં ભારતીય ફાસ્ટ બોલરોએ આઠ વિકેટ ઝડપી હતી. ૨૦૧૩માં પણ સેન્ચુરિયનમાં ફાસ્ટ બોલરોને કુલ આઠ સફળતા મળી હતી.