
મુંબઈ: નેશનાલીસ્ટ કોંગ્રેસ(NCP)ના સ્વર્ગસ્થ નેતા બાબા સિદ્દીકીના દીકરા ઝીશાન સિદ્દીકીને ધમકી આપવા બદલ આરોપી મોહમ્મદ દિલશાદ નૌશાદની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ હાલ તેની પૂછપરછ કરી રહી છે, આ દરમિયાન તે ઘણાં ખુલાસા કરી રહ્યો છે. પુછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેણે ક્રિકેટર રિંકુ સિંહને ધમકી આપી હતી અને ₹10 કરોડની ખંડણી માહી હતી.
અહેવાલ મુજબ મોહમ્મદ દિલશાદ નૌશાદે દાઉદ ઇબ્રાહિમની ડી-કંપનીના નામે રિંકુ સિંહને ધમકી આપી હતી.
હત્યાની ધમકી:
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દિલશાદે રિંકુ સિંહના ઇવેન્ટ મેનેજરને ધમકીભર્યા ઇમેઇલ પણ મોકલ્યા હતા. દિલશાદે દાવો કર્યો હતો કે તે ડી-કંપનીનો સભ્ય છે, અને ધમકી આપી હતી કે જો રીંકુ ખંડણીની રકમ નહીં આપે તો તેની હત્યા કરવામાં આવશે.
ત્રિનિદાદ એન્ડ ટોબેગોથી મોકલ્યા ઈમેઈલ:
ઝીશાન સિદ્દીકીએ એપ્રિલ 2025 માં મુંબઈ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે તેમને ઇમેઇલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. જેમાં ધમકી આપવામાં આવી કે જો તેઓ પૈસા નહીં ચૂકવે તો તેમના હાલ પણ તેમના પિતા બાબા સિદ્દીકી જેવા થશે.
આ કેસમાં ઇન્ટરપોલની મદદથી આરોપી મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ નવીદની ત્રિનિદાદ એન્ડ ટોબેગોથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યાર બાદ બંનેને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા હતાં.
નોંધનીય છે, રિંકુ સિંહની સગાઈ જૌનપુરની મછલીશહર લોકસભા બેઠકના સાંસદ પ્રિયા સરોજ સાથે થઈ છે, ટૂંક સમયમાં બંનેના લગ્ન થવાના છે.
આ પણ વાંચો…ક્રિકેટર-સાંસદની જોડી: રિંકુ સિંહ અને પ્રિયા સરોજની થઈ સગાઈ, જુઓ વીડિયો