સ્પોર્ટસ

સિડની ટેસ્ટના પહેલા દિવસે કમિન્સનો કરિશ્મા, પણ જમાલની જમાવટ

પાકિસ્તાન સામેની પહેલી બન્ને ટેસ્ટ જીતીને હવે સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરી રહેલી ઑસ્ટ્રેલિયન ટીમે બુધવારે પ્રથમ દિવસે કૅપ્ટન શાન મસૂદ (35 રન, 70 બૉલ, ત્રણ ફોર)ની ટીમને 313 રનમાં પૅવિલિયન ભેગી કરી દીધી હતી અને રમતના અંત સુધીમાં વિના વિકેટે 6 રન બનાવ્યા હતા.

અંતિમ ટેસ્ટ-મૅચ રમી રહેલો ઓપનર ડેવિડ વૉર્નર ઇનિંગ્સની શરૂઆતમાં થોડું ડગમગી ગયો હતો, પણ સ્પિનર સાજિદ ખાનના બૉલમાં ચોક્કો ફટકારીને તેણે આત્મવિશ્ર્વાસ મેળવી લીધો હતો અને 6 રને નૉટઆઉટ રહ્યો હતો. તેની સાથે ઉસ્માન ખ્વાજા (0) દાવમાં હતો. મૅચની શરૂઆતમાં વૉર્નરને તેના હોમ-ગ્રાઉન્ડમાં 33,905 પ્રેક્ષકોએ સ્ટૅન્ડિંગ ઑવેશન આપ્યું હતું. વૉર્નરની આ આખરી ટેસ્ટ છે.

ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન પૅટ કમિન્સ (18-1-61-5) અને પાકિસ્તાનનો પેસ બોલિંગ-ઑલરાઉન્ડર આમેર જમાલ (82 રન, 97 બૉલ, ચાર સિક્સર, નવ ફોર) પ્રથમ દિવસના મુખ્ય બે સ્ટાર-અટ્રેક્શન હતા. પાકિસ્તાને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી ત્યાર બાદ કમિન્સે સતત ત્રીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી.

મેલબર્નમાં રમાયેલી સિરીઝની બીજી ટેસ્ટમાં તેણે પહેલા દાવમાં 48 રનમાં પાંચ અને બીજા દાવમાં 49 રનમાં પાંચ વિકેટ લીધી હતી. વર્તમાન ટેસ્ટના પ્રથમ દાવમાં પાંચ વિકેટના સતત ત્રીજા તરખાટમાં તેણે ખાસ કરીને બાબર આઝમ (26 રન), સઉદ શકીલ (5 રન) અને મોહમ્મદ રિઝવાન (88 રન)ને આઉટ કરીને પાકિસ્તાનનો મિડલ-ઑર્ડર તોડી નાખ્યો હતો.
ખુદ કમિન્સ ઉપરાંત ઑસ્ટ્રેલિયાના કુલ સાત બોલર્સે બોલિંગ કરી હતી જેમાં આઇપીએલ-2024 માટે તાજેતરમાં જ કલકત્તા નાઇટ રાઇડર્સે સૌથી ઊંચા 24.75 કરોડ રૂપિયાના ભાવે ખરીદેલા મિચલ સ્ટાર્કે બે વિકેટ તેમ જ મિચલ માર્શ, જૉશ હૅઝલવુડ અને નૅથન લાયને એક-એક વિકેટ લીધી હતી.

88 રન બનાવનાર રિઝવાન અને 53 રન બનાવનાર આગા સલમાન ઉપરાંત ખાસ કરીને જમાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેણે છેલ્લી વિકેટ માટે મિર હમઝા (7 અણનમ) સાથે 86 રનની ભાગીદારી કરીને ઑસ્ટ્રેલિયન બોલર્સ અને ફીલ્ડર્સને થકવી નાખ્યા હતા. જમાલની ઝમકદાર હાફ સેન્ચુરીને કારણે જ પાકિસ્તાનની ટીમ 300 રનનો આંકડો પાર કરી શકી હતી. જમાલ-હમઝાએ ભાગીદારીમાં બનાવેલા 86 રન 2001માં ઇંગ્લૅન્ડના ઍલેક સ્ટુઅર્ટ અને ઍન્ડી કૅડિક વચ્ચે બનેલા 103 રન પછીની 10મી વિકેટ માટેની સૌથી મોટી પાર્ટનરશિપ હતી.

પહેલા દિવસનો સ્ટાર-બૅટર જમાલ માત્ર 13 રને હતો ત્યારે નૅથન લાયનથી તેનો કૅચ છૂટી ગયો હતો. જમાલ પાકિસ્તાનનો એવો પ્રથમ ઑલરાઉન્ડર છે જેણે પોતાની પહેલી જ ટેસ્ટ-સિરીઝમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવવા ઉપરાંત 50-પ્લસનો સ્કોર પણ નોંધાવ્યો છે.

જોકે પાકિસ્તાનની ટીમે 26-29 ડિસેમ્બર દરમ્યાન રમાયેલી બીજી ટેસ્ટમાં 79 રનથી પરાજય જોવો પડ્યો ત્યાર બાદ નવા વર્ષના ત્રીજા જ દિવસે બન્ને ઓપનરના શૂન્ય જોવા પડ્યા. સિડનીમાં અબદુલ્લા શફીક અને પહેલી જ ટેસ્ટ રમનાર સઇમ અયુબ પોતપોતાના બીજા બૉલ પર ખાતું ખોલાવ્યા વગર જ પૅવિલિયન ભેગા થઈ ગયા હતા. અબદુલ્લાને સ્ટાર્કે અને અયુબને હૅઝલવુડે કૅચઆઉટ કરાવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…