ઇન્ટરનેશનલસ્પોર્ટસ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કેમ રેડ કાર્ડ બતાવાયું?

રિયાધ: સામાન્ય રીતે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેસ મેસી તેમ જ કીલિયાન ઍમ્બપ્પે જેવા સુપરસ્ટાર ખેલાડીઓને બૉલ પર કબજો કરતા રોકવા કે ગોલ માટે આગળ વધતા અટકાવવા હરીફ ટીમના ખેલાડીઓ તેમને નીચે પાડવા કે શરીરના કોઈ ભાગ પર હુમલો કરવામાં કોઈ કસર બાકી નથી રાખતા, પરંતુ સાઉદી સુપર કપની સેમિ ફાઇનલમાં અનોખી ઘટના બની ગઈ.

રિયલ મૅડ્રિડ અને પોર્ટુગલનો લેજન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ અલ-નાસર હારવાની તૈયારીમાં હતી ત્યારે 87મી મિનિટમાં એક તબક્કે ખુદ રોનાલ્ડોનો પિત્તો ગયો હતો અને તેણે મેદાનની બહાર જવું પડ્યું હતું.


અલ-હિલાલ નામની ટીમ 2-0થી આગળ હતી અને એના વિજયને આડે ગણતરીની મિનિટો બાકી હતી ત્યારે રોનાલ્ડો થ્રો-ઇન માટે બૉલ પર કબજો કરવા ગયો ત્યારે અલ-હિલાલ ટીમના અલી અલ-બુલાઇહીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. રોનાલ્ડોએ બુલાઇહીને દૂર હડસેલ્યો હતો અને કોણી મારીને તેને નીચે પાડ્યો એવું વીડિયોના ફૂટેજ પરથી લાગ્યું હતું.


રેફરી તરત દોડી આવ્યા હતા અને રોનાલ્ડોને રેડ કાર્ડ બતાવ્યું હતું. વાત ત્યાં જ અટકી નહોતી. રોનાલ્ડોએ પંચ મારીને બૉલ નીચે જમીન પર પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ બીજી ક્ષણે તે અટકી ગયો હતો. રેડ કાર્ડ બતાવાતા રોનાલ્ડોએ મૅચ છોડીને જતા રહેવું પડ્યું હતું. તે વિરોધી મૂડમાં પાછો ગયો હતો અને રેફરીની મજાક ઉડાડતો હોય એ રીતે તાળી પાડતો મેદાનની બહાર ગયો હતો અને જાણે પ્રેક્ષકોને ઇશારો કરી રહ્યો હતો કે તમે પણ રેફરી સાથે આવું જ વર્તન કરો.

ALSO READ : પ્રેક્ષકોએ હુરિયો બોલાવતાં મેસી હરખાયો, પણ રોનાલ્ડો ભડકી ગયો!

એ જ મૅચમાં રોનાલ્ડોને એક ફાઉલ બદલ યલો કાર્ડ બતાવવામાં આવ્યું હતું. તેને એ યલો કાર્ડ એક ગોલ સંબંધમાં રેફરીના નિર્ણય સામેના વિરોધમાં કરેલા ખરાબ વર્તન બદલ બતાવવામાં આવ્યું હતું
.

અલ-નાસરના કોચ લુઇ કૅસ્ટ્રોએ પત્રકારોને કહ્યું, ‘રોનાલ્ડોને જે કારણસર રેડ કાર્ડ બતાવવામાં આવ્યું એના પર સ્પષ્ટ ચર્ચા કરવી મુશ્કેલ છે. હા, હું એટલું જરૂર કહીશ કે આ સીઝનમાં અગાઉ ઘણી મૅચોમાં રોનાલ્ડોને ઉશ્કેરવામાં આવ્યો હતો. અમે ઘણા પિક્ચર્સ જોયા હતા જેના પરથી અમે એવું તારણ કાઢ્યું હતું કે રોનાલ્ડોને રેડ કાર્ડ બતાવવામાં આવે એવું કંઈ તેણે કર્યું જ નહોતું. આ કિસ્સામાં વીડિયો રેફરીએ મૅચ રેફરીને બોલાવીને રોનાલ્ડોની ઘટનાની ફૂટેજ બતાવવી જોઈતી હતી.’

જોકે સેમિ ફાઇનલ જીતનાર અલ-હિલાલ ટીમના કોચ જોર્જ જીસસે કહ્યું, ‘પાંચ વખત વિશ્ર્વના બેસ્ટ ફુટબોલરનો અવૉર્ડ જીતી ચૂકેલા રોનાલ્ડો પ્રત્યે અમને સહાનુભૂતિ છે. તે વિશ્ર્વના ટોચના ખેલાડીઓમાંનો એક છે અને અનેક યુવાનોનો રોલ મૉડેલ છે. જોકે આપણે જાણીએ છીએ કે કરીઅરમાં ક્યારેય તે હાર હજમ નથી કરી શક્યો. સ્વાભાવિક છે કે આ કિસ્સામાં તેણે પરાજય નજીક આવતાં મગજ પરથી કાબૂ ગુમાવ્યો હોય.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button