સ્પોર્ટસ

રોનાલ્ડોનો વર્લ્ડ રેકોર્ડ, પ્રથમ ફૂટબોલર બન્યો જેણે…

બેન્ફિકા (પોર્ટુગલ): પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશ્વનો એવો પહેલો ફૂટબોલર બન્યો છે જેણે કુલ 900 ગોલ કર્યા છે.

રોનાલ્ડોએ આ સિદ્ધિ ગુરુવારે અહીં યુઇફા નેશન્સ ટુર્નામેન્ટમાં ક્રોએશિયા સામેની મૅચમાં હાંસલ કરી હતી.
પોર્ટુગલે આ મૅચમાં ક્રોએશિયાને 2-1થી હરાવ્યું હતું.

પોર્ટુગલ વતી એક ગોલ ડિઓગો ડૅલોટે (સાતમી મિનિટમાં) અને બીજો ગોલ રોનાલ્ડોએ (34મી મિનિટમાં) કર્યો હતો. પોર્ટુગલ આ મૅચ 2-1ને બદલે 2-0થી જીતી શક્યું હોત, પરંતુ મૅચનો પહેલો ગોલ કરનાર ડૅલોટથી 41મી મિનિટમાં ઑન ગોલ થઈ જતાં ક્રોએશિયાને ફોગટનો ગોલ મળી ગયો હતો અને છેવટે પોર્ટુગલને 2-1થી જીતવા મળ્યું હતું.

હાલમાં પ્રોફેશનલ ફૂટબૉલમાં સાઉદી અરેબિયાની અલ નાસર ટીમ વતી રમતા રોનાલ્ડોએ 900 ગોલની સિદ્ધિ વિશે પત્રકારોને કહ્યું હતું કે ‘હું 900 ગોલના મારા જાદુઈ આંકથી બેહદ ખુશ છું. આ એક એવો ધ્યેય હતો જે હું ઘણા સમયથી હાંસલ કરવા ઈચ્છતો હતો. મને ખાતરી હતી કે હજી સારું રમી શકું છું એટલે ગમે ત્યારે આ ઉપલબ્ધિ મેળવીશ જ.’

રોનાલ્ડોએ આનંદ વ્યક્ત કરીને ભાવુક થતાં એવું પણ કહ્યું હતું કે ‘900 ગોલની સિદ્ધિને હું કરીઅરની સૌથી અનોખી ઉપલબ્ધિ ગણું છું. હું પોતે તેમ જ લોકો પણ જાણે છે કે આવી મોટી અને અસાધારણ સિદ્ધિ મેળવવા માટે શારીરિક તથા માનસિક રીતે ફિટ રહેવું પડે અને એ માટે ઘણી મહેનત કરવી પડે.’


રોનાલ્ડોએ હજી થોડા જ દિવસ પહેલાં પોતાના રિટાયરમેન્ટ વિશેની અફવાને ખોટી ગણાવી હતી. જોકે નિવૃત્તિ વિશેની યોજના બાબતમાં તેણે કોઈ ખુલાસો પણ નહોતો કર્યો.

રોનાલ્ડો 2002ની સાલથી પ્રોફેશનલ અને આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ મૅચો રમે છે. તેના 900 ગોલમાં વિશ્વમાં હાઈએસ્ટ 131 ઇન્ટરનેશનલ ગોલ સામેલ છે. લિયોનલ મેસી 109 ગોલ સાથે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓમાં રોનાલ્ડો પછી બીજા નંબરે છે.

સૌથી વધુ ગોલ કોના?

(1) ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, 900 ગોલ (2) લિયોનેલ મેસી, 838 ગોલ, (3) પેલે, 762 ગોલ (4) રોમારિયો, 755 ગોલ (5) ફરેન્ક પુસ્કેસ, 724 ગોલ

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button