ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હવે નક્કી કરી લીધું, કરોડો ચાહકોને નિરાશ કરતું નિવેદન આપી દીધું!

લિસ્બન (પોર્ટુગલ): પોર્ટુગલના અને સાઉદી અરેબિયાની અલ નાસર ટીમના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ નક્કી કરી લીધું છે કે જૂન-જુલાઈ, 2026નો ફિફા વર્લ્ડ કપ તેનો અંતિમ વર્લ્ડ કપ હશે. એ સાથે, આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં રોનાલ્ડોને લાઇવ (ટીવી પર કે સ્ટેડિયમમાં) રમતો જોવાનો તેના કરોડો ચાહકો પાસે હવે બહુ ઓછો સમય બાકી છે. રોનાલ્ડોનો એ છઠ્ઠો વર્લ્ડ કપ બનશે.
પાંચમી ફેબ્રુઆરીએ રોનાલ્ડો જિંદગીના 41 વર્ષ પૂરા કરશે. તેણે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ તથા પ્રોફેશનલ ફૂટબૉલમાં કુલ મળીને 950થી પણ વધુ ગોલ કર્યા છે. આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં તેણે કુલ 143 ગોલ કર્યા છે જે વિશ્વવિક્રમ છે. જોકે તે હજી સુધી વર્લ્ડ કપની નૉકઆઉટ મૅચમાં ગોલ નથી કરી શક્યો.
આપણ વાચો: ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી સગાઈ, ગર્લફ્રેન્ડ જોર્જિનાની પોસ્ટ જોઈને ચોંકી ગયા ફેન્સ
ટીનેજર તરીકે રમવાનું શરૂ કરનાર રોનાલ્ડો (Ronaldo)એ પચીસ વર્ષની કરીઅરમાં ઘણી ટ્રોફીઓ તથા પુરસ્કારો મેળવ્યા છે, પરંતુ પોર્ટુગલને ક્યારેય વર્લ્ડ કપ (world cup)ની ટ્રોફી નથી અપાવી શક્યો અને તેણે હવે કરીઅરના અંત પહેલાં 2026ના વિશ્વ કપમાં એ સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વર્લ્ડ કપ માટેના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં પોર્ટુગલ ગ્રૂપ-એફમાં મોખરે છે અને હવે આયરલૅન્ડ સામેની જીત સાથે વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે રોનાલ્ડોનો પ્રતિસ્પર્ધી લિયોનેલ મેસી આર્જેન્ટિનાને વર્લ્ડ કપની ટ્રોફી (2022માં) અપાવી ચૂક્યો છે. જોકે તે (રોનાલ્ડો) બલૉં ડિ ઑર નામની સર્વોચ્ચ ટ્રોફી પાંચ વખત મેળવી ચૂક્યો છે.
આપણ વાચો: બર્થ-ડે બૉય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો હુંકાર…`ગ્રેટેસ્ટ ફૂટબૉલ ખેલાડી તો હું જ છું’
ખુદ રોનાલ્ડોએ સાઉદી અરેબિયાના રિયાધમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે હું અત્યારે બહુ સારા ફૉર્મમાં છું. ગોલ કરી રહ્યો છું, મેદાન પર ખૂબ ઝડપ જાળવી શકું છું અને બૉલ પર કબજો મેળવવામાં પણ ખૂબ શાર્પ છું.’ તેને પૂછવામાં આવ્યું કે શું 2026નો વર્લ્ડ કપ તમારો અંતિમ હશે? ત્યારે રોનાલ્ડોએ કહ્યું, હા, તમારું અનુમાન સાચું છે.
ત્યારે હું 41 વર્ષનો થઈ ગયો હોઈશ અને 2026નો વર્લ્ડ કપ મારા માટે બહુ મોટી ઇવેન્ટ બનશે. હું આ તબક્કે કહી શકું કે હું હવે એક-બે વર્ષ રમીશ. મેં ફૂટબૉલની રમતને મારાથી બનતું બધું જ આપ્યું છે. મેં ઘણા રેકૉર્ડ કર્યા છે અને મને મારા પર ગર્વ છે એટલે આ પળોને ખૂબ માણી લેવા માગું છું.’



