ગુડ ન્યૂઝ…ક્રિકેટરોના પરિવારોને ચેમ્પિયન્સ ટ્રોફીની એક મૅચ જોવાની છૂટ?

ભારત-પાકિસ્તાન મૅચ વખતે સ્ટેન્ડમાં જોવા મળી શકે ખેલાડીઓના પરિવારજનો
મુંબઈ: ઑસ્ટ્રેલિયા ખાતેના નિરાશાજનક પ્રવાસને કારણે તેમ જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી ભારતીય ટીમની થયેલી બાદબાકી થઈ એને પગલે બીસીસીઆઈએ ખેલાડીઓને ટૂર પર પત્ની, પાર્ટનર કે પોતાના અન્ય કોઈ પણ પરિવારનને પોતાની સાથે ટૂર પર લઈ જવા પર તાજેતરમાં જે પ્રતિબંધ મૂક્યો એમાં થોડી છૂટ મૂકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
કેટલાક અહેવાલો મુજબ ભારતીય ક્રિકેટરો ચેમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન કોઈ પણ એક મૅચ માટે પોતાના પરિવારજનોને દુબઈ બોલાવી શકશે. અહીં એવું માની શકાય કે મોટા ભાગના ભારતીય ખેલાડીઓ પોતાના પરિવારજનોને રવિવાર, 23મી ફેબ્રુઆરીએ દુબઈમાં પાકિસ્તાન સામે રમાનારી હાઈ-વૉલ્ટેજ મૅચ જોવા માટે બોલાવશે.
ઑસ્ટ્રેલિયા ખાતેના તાજેતરના પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયાના પર્ફોર્મન્સ પર અવલોકન થયું હતું અને ક્રિકેટ બોર્ડે એવો નિર્ણય લીધો હતો કે હવે પછી 45થી ઓછા દિવસની કોઈ પણ ટૂર પર ખેલાડીઓ પોતાના પરિવારજનોને પોતાની સાથે નહીં લઈ જઈ શકે. જો એ ટૂર 45 કે વધુ દિવસની હશે તો વધુમાં વધુ બે અઠવાડિયા માટે તેમના ફેમિલી મેમ્બર્સ ટૂર પર તેમની સાથે જઈ શકશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ખેલાડીઓ ગયા અઠવાડિયે દુબઈ ગયા ત્યારે પરિવારજનોમાંથી કોઈને પણ પોતાની સાથે નહોતા લઈ ગયા.કહેવાય છે કે ટીમ ઇન્ડિયાના એક વરિષ્ઠ ખેલાડીએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈ જતાં પહેલા બોર્ડના સેક્રેટરી દેવાજિત સૈકિયા સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી અને ત્યાર બાદ કડક નિયમમાં હળવી છૂટ મૂકવામાં આવી હોવાનું મનાય છે.
એવું નક્કી થયું હોવાનું મનાય છે કે જે ખેલાડી પોતાના પરિવારજનને ચેમ્પિયન્સ ટ્રોફીની જે મૅચ જોવા માટે દુબઈ બોલાવવા માગતો હોય એ માટે તેણે બીસીસીઆઈને અરજી કરવી પડશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પ્રથમ લીગ મૅચ 20મી ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે, 23મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને બીજી માર્ચે ન્યૂ ઝીલૅન્ડ સામે રમાશે.
ત્યાર પછી ભારત જો નોકઆઉટ રાઉન્ડમાં પહોંચશે તો એ ભારતની એ તમામ મૅચો પણ દુબઈમાં જ રમાશે.