ક્રિકેટર ખિસ્સામાં મોબાઇલ લઈને રમવા આવ્યો અને પછી બન્યું એવું કે…

લંડનઃ એક તરફ ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં એક પછી એક રોમાંચક મૅચ જોવા મળી રહી છે અને હવે તો પ્લે-ઑફ માટેની રેસ વધુ ઉગ્ર બની છે ત્યારે ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ક્રિકેટની મૅચોની ક્રિકેટજગતમાં ખાસ કંઈ ચર્ચા તો નથી, પરંતુ એક ઘટનાએ ક્રિકેટની દુનિયામાં સારી રમૂજ ફેલાવી છે.
વાત એવી છે કે લેન્કશર (LANCASHIRE) કાઉન્ટી ક્લબની ટીમના ઑલરાઉન્ડર ટૉમ બેઇલી (TOM BAILEY)એ કંઈક એવું કર્યું જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.
બેઇલી એક શૉટ માર્યા બાદ રન લેવા દોડ્યો ત્યારે તેના ખિસ્સામાંથી મોબાઇલ નીચે પડી ગયો હતો. આ રમૂજી ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ અને એનો વીડિયો તેમ જ ફોટો પળવારમાં વાઇરલ (VIRAL) થઈ ગયા.
આપણ વાંચો: વિરાટ કોહલી ડોમેસ્ટિકને બદલે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટ રમવાની પેરવીમાં છે?
બેઇલીના પૉકેટમાંથી મોબાઇલ બહાર આવી ગયો હતો અને બેઇલ પૂરપાટ દોડી રહ્યો હતો એટલે ફોન છેક નૉન-સ્ટ્રાઇક એન્ડની નજીક પડ્યો હતો.
આ મૅચ ગ્લુસ્ટશર (GLOUCESTER) સામે રમાઈ રહી હતી અને એનો બોલર જૉશ શૉ (JOSH SHAW)એ મોબાઇલ ઉપાડીને બેઇલીને પાછો આપી દીધો હતો. બેઇલીએ ફોન લઈ તો લીધો, પણ તે શરમમાં મુકાઈ ગયો હતો.
આજે ટેક્નોલૉજી એટલી બધી આગળ વધી ગઈ છે કે સારી કે ખરાબ, કોઈ પણ બાબત જો જાહેરમાં કરવામાં આવી હોય તો ક્ષણવારમાં વાઇરલ થઈ જાય છે.
આપણ વાંચો: ‘વિરાટ-રોહિતે કાઉન્ટી ક્રિકેટ રમવી જોઈએ’ આ પૂર્વ ખેલાડીએ આપી સલાહ
આ દૃશ્ય જોઈને કૉમેન્ટેટર પણ ચોંકી ગયા હતા. એક કૉમેન્ટેટર બોલ્યા, તેના (બેઇલીના) ખિસ્સામાંથી કંઈ નીચે પડ્યું લાગે છે.' બીજા કૉમેન્ટર બોલ્યા,
ના, આ શક્ય જ નથી.’
જોકે પહેલા કૉમેન્ટેટરની શંકા સાચી પડી હતી. બેઇલીના ખિસ્સામાંથી મોબાઇલ નીકળી ગયો હતો અને નીચે પડ્યો હતો. એ ભાઇ ખિસ્સામાં મોબાઇલ લઈને રમવા આવ્યા હતા.
આ ઘટના વિશે સોશિયલ મીડિયામાં રમૂજી ટિપ્પણીઓ કરવામાં આવી છે. એક ક્રિકેટપ્રેમીએ એક્સ' પર લખ્યું,
અરે! આવું ગામડાંની ક્રિકેટ મૅચમાં બને તો માની શકાય, પણ ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં બન્યું!’
બીજા એક ક્રિકેટ લવરે લખ્યું, ` મને લાગે છે કે એ બૅટ્સમૅન પોતાના પગલાંની ગણતરી માટે મોબાઇલ ખિસ્સામાં લાવીને મેદાન પર ઊતર્યો હશે.’
ઉલ્લેખનીય છે કે ખેલાડી મોબાઇલ પોતાની પાસે લઈને ક્રિકેટના મેદાન પર ઊતરી ન શકે.