ક્રિકેટર જેમાઇમાના પપ્પાએ ધર્મ પરિવર્તનવાળો આક્ષેપ નકાર્યો, જિમખાનાએ પ્લેયરને સલાહ આપી કે…
મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી જેમાઇમા રૉડ્રિગ્સના પિતા ઇવાન રૉડ્રિગ્સે પ્રતિષ્ઠિત ખાર જિમખાનામાં પોતાની પુત્રીની મેમ્બરશિપનો ઉપયોગ કરીને પોતે ધર્મ પરિવર્તનને લગતી મીટિંગ્સ રાખી હોવાના આક્ષેપો નકાર્યા છે અને દાવો કર્યો છે કે તેમણે જિમખાનાની કાર્ય પદ્ધતિનું સંપૂર્ણપણે પાલન કરીને માત્ર સ્મરણાંજલિને લગતી સભાઓ જ યોજી હતી.
ખાર જિમખાનાએ તાજેતરની વાર્ષિક સામાન્ય સભામાં જેમાઇમાનું માનદ સભ્યપદ રદ કરી નાખ્યું હતું. આ સ્ટાર ક્રિકેટરને જે કેટલાક વિશેષ લાભો આપવામાં આવ્યા છે એનો તેના પિતાએ કથિત દુરુપયોગ કર્યો હોવાની ફરિયાદ જિમખાનાના કેટલાક મેમ્બર્સે કરી હતી.
ઇવાન રૉડ્રિગ્સે વધુમાં કહ્યું હતું કે ‘એપ્રિલ 2023 પછીના લગભગ એક વર્ષ દરમ્યાન અમે કેટલીક વખત જિમખાનાના નિયમો અનુસાર જ જિમખાનાની સવલતોનો લાભ લીધો હતો અને એ બાબતમાં હોદ્દેદારો પૂરી રીતે વાકેફ છે.’
પીટીઆઇના અહેવાલ મુજબ ઇવાન રૉડ્રિગ્સનું એવું પણ કહેવું છે કે ‘સ્મરણાંજલિ માટેની સભાઓ તમામ લોકો માટે ખુલ્લી હતી અને એ સભાઓ કોઈ પણ રીતે ધર્માંતરણને લગતી સભા નહોતી જ. મીડિયાના કેટલાક આર્ટિકલ્સમાં અમારા વિશે ખોટું જણાવવામાં આવ્યું છે. અમને જ્યારે આવી પ્રેયર મીટિંગ્સ રાખવાનું બંધ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે અમે એ આદેશનું પાલન કરીને તાબડતોબ એ સભા યોજવાનું બંધ કરી દીધું હતું.’
24 વર્ષની જેમાઇમા રૉડ્રિગ્સ ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર છે.
ખાર જિમખાનાના મૅનેજિંગ કમિટી મેમ્બર શિવ મલ્હોત્રાએ પીટીઆઇને જણાવ્યું હતું કે ‘જેમાઇમાની ક્રિકેટર તરીકે જે પ્રતિભા છે એ બદલ અમને તેના પર માન છે. જોકે તેના પિતા બાબતમાં જે કંઈ બની ગયું એ નહોતું બનવું જોઈતું. જેમાઇમા પર અમને બધાને ગર્વ છે અને ભવિષ્ય માટે તેને શુભેચ્છા આપીએ છીએ. આશા રાખીએ કે તે ભારત વતી વધુ સિદ્ધિઓ મેળવશે. તેણે એ ધ્યાન રાખવું જોઈએ કે તે ક્રિકેટને લગતી સગવડો માણી શકે ખાસ એ હેતુથી જ તેને જિમખાનાની મેમ્બરશિપ આપવામાં આવી હતી અને એ સગવડો તેના માટે છે, નહીં કે તેના પિતા માટે.’