સ્પોર્ટસ

Sports@2024: પહેલીવાર યોજાશે અમેરિકામાં ક્રિકેટ વર્લ્ડ કપ અને આ ઈવેન્ટ પર ભારતની નજર

અમદાવાદઃ નવા વર્ષમાં દરેક ક્ષેત્રમાં નવી ઘટનાઓ ઘટશે અને લોકોનું ધ્યાન તેના તરફ જશે. ભારતીયોને સૌથી વધારે જે સ્પોર્ટ્સ ક્રિકેટમાં રસ છે તે ક્રિકેટનો T20 વર્લ્ડ કપ આ વર્ષે યોજાશે અને તે પણ પહેલીવાર અમેરિકાની ધરતી પર યોજાશે.
ક્રિકેટ પ્રેમીઓ માટે પણ આ વર્ષ ખાસ રહેવાનું છે. ક્રિકેટનું સૌથી લોકપ્રિય બનેલું ફોર્મેટ T20 4 થી 30 જૂન 2024 દરમિયાન યોજાશે. 2024 T20 વર્લ્ડ કપની યજમાની સંયુક્ત રીતે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા કરશે. આ પ્રથમ વખત હશે જ્યારે અમેરિકા ICC ટૂર્નામેન્ટનું આયોજન કરશે.
વર્ષ 2023 ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે રોમાંચક તો રહ્યું, પરંતુ હાથમાં વર્લ્ડ કપ ન આવતા તેઓ નિરાશ પણ થાય. ત્યારે હવે આવતા વર્ષમાં સૌને કપ ભારતીય ટીમના હાથમાં જોવાની ઈચ્છા છે.
ICC રેન્કિંગમાં ટોચ પર રહેલી ભારતીય ટીમ ટૂર્નામેન્ટની મજબૂત દાવેદાર માનવામાં આવે છે. આ વખતે પ્રથમ એડિશનની વિજેતા ટીમમાં ઘણા નવા ચહેરાઓ જોવા મળી શકે છે. તે જ સમયે, તે જોવાનું પણ રસપ્રદ રહેશે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓ ટીમનો ભાગ બનશે કે નહીં. આ સાથે જ આઈપીએલની 17મી સીઝનનું પણ વર્લ્ડ કપ પહેલા આયોજન કરવામાં આવશે. 2024 ઇન્ડિયન પ્રીમિયર લીગ 29 માર્ચ 2024 થી 26 મે વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટમાં લોકો મોંઘા ભાવે વેચાયેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક પર નજર રાખશે. એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અન્ય દિગ્ગજો સાથે નવોદિતો પણ ચર્ચામાં રહેશે.
ક્રિકેટ સિવાયની રમતો માટે પણ આવનારું વર્ષ મહત્વનું છે. 2024 સમર ઓલિમ્પિક્સ ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાશે. આ ગેમ્સનું આયોજન ફ્રાન્સમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 દરમિયાન કરવામાં આવશે. ભારત પેરિસ ઓલિમ્પિકમાં પણ ભાગ લેશે, તેથી કુસ્તી, બોક્સિંગ, ભાલા ફેંક, હોકી જેવી અનેક ઈવેન્ટ્સમાં મેડલ મેળવવાની આશા રહેશે. આ પહેલા પણ ઘણા ખેલાડીઓ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે.
જોકે વર્ષ 2023માં ભારતના કુસ્તીબાજો માટે નિરાશાજનક રહ્યું. કુશ્તી મહાસંઘ સાથેનો તેમનો સંઘર્ષ પ્રતિસ્પર્ધકને પછાડવા કરતા પણ વધારે અઘરો સાબિત થયો. હજુ પણ તેમની લડાઈ ચાલુ છે. ત્યારે આવતું વર્ષ રમતગમતની દુનિયામાં ભારત માટે ઝળહળતું રહે તેવી ઈચ્છા દરેક ભારતીયને છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button