Cricket In USA : અમેરિકાની સ્પોર્ટ્સ માર્કેટમાં હવે ક્રિકેટ ધમધોકાર ચાલશે, જાણો શા માટે?

સૅન ફ્રાન્સિસ્કો: પહેલી જૂને વેસ્ટ ઇન્ડિઝના સહયોગમાં અમેરિકામાં મેન્સ ટી-20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે એમાં 20 દેશની ટીમ ભાગ લેવાની છે. ક્રિકેટની સંચાલક સંસ્થા ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના મુખ્ય મેમ્બર-રાષ્ટ્રો 12 છે, પણ અસોસિયેટ મેમ્બર-દેશોની સંખ્યા 98 છે જેના પરથી અંદાજ આવશે કે ક્રિકેટની રમત હવે આખા વિશ્ર્વમાં ફેલાઈ ગઈ છે. આ ફેલાવામાં બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની મુખ્ય ભૂમિકા રહી છે અને એનો તાજો પુરાવો એ છે કે અમેરિકામાં ક્રિકેટને લોકપ્રિય બનાવવા આઇસીસીએ કમર કસી છે.
વાત એવી છે કે અમેરિકાની ફ્રૅન્ચાઇઝી-આધારિત મેજર લીગ ક્રિકેટ (MLC)ને આઇસીસીએ લિસ્ટ-એનો સત્તાવાર દરજ્જો આપી દીધો છે. પહેલી જૂને ટી-20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે અને એ જ અરસામાં અમેરિકાની લીગને યુએઇની લીગ (ILT20) જેવું સ્ટેટસ મળી ગયું છે.
આ પણ વાંચો: T20 World Cup : અનેકનો લાડલો ક્રિકેટર ફરી ગયો કૉમેન્ટેટર: આઇસીસીની વર્લ્ડ કપ માટેની પૅનલમાં કરી એન્ટ્રી
એમએલસીની હજી તો માંડ એક સીઝન થઈ છે ત્યાં એને બીજી સીઝનની પહેલાં જ આઇસીસીની માન્યતા મળી ગઈ છે. પ્રથમ સીઝનમાં કીરોન પોલાર્ડના સુકાનમાં એમઆઇ ન્યૂ યૉર્ક ટીમ ચૅમ્પિયન અને વેઇન પાર્નેલની કૅપ્ટન્સીમાં સીએટલ ઑર્કેસ ટીમ રનર-અપ રહી હતી.
હવેથી આંતરરાષ્ટ્રીય સ્તરે લિસ્ટ-એ ક્રિકેટમાં એમએલસીના ખેલાડીઓની દરેક સેન્ચુરી, હાફ સેન્ચુરી, રનઆઉટ, વિકેટો, જીત અને હાર વગેરેનો રેકૉર્ડ રાખવામાં આવશે. એટલું જ નહીં, આ માન્યતા સાથે હવે અમેરિકાના સ્થાનિક ક્રિકેટરો તેમ જ ઊભરતા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળશે.
જૂનમાં અમેરિકા-વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપમાં રમનારી ભારતના ‘એ’ ગ્રૂપવાળી અમેરિકાની ટીમનો કૅપ્ટન મોનાંક પટેલ છે. આ ટીમમાં બીજા ગુજરાતી ખેલાડી નિસર્ગ પટેલ સહિત કુલ આઠ ભારતીય મૂળના ખેલાડીઓ સામેલ છે.
એટલું જ નહીં, એમએલસી અને યુએસ ક્રિકેટ અસોસિયેશન સાથે ટોચના હોદ્દે જોડાયેલા અધિકારી પણ ભારતીય મૂળના છે. વિજય શ્રીનિવાસન એમએલસીના સીઇઓ અને શંકર રંગનાથન અમેરિકાના ક્રિકેટ અસોસિયેશનના સેક્રેટરી છે.