ત્રણ સ્લિપ-ફીલ્ડર એક કૅચ ન પકડી શક્યા!
ચટગાંવ: ક્રિકેટ સાથે કૉમેડીનો નાતો જૂનો છે અને ચટગાંવમાં બાંગ્લાદેશ તથા શ્રીલંકા વચ્ચે પૂરી થયેલી બીજી ટેસ્ટ દરમ્યાન એક તબક્કે બૉલને બાઉન્ડરી લાઇન પર જતો રોકવા બાંગ્લાદેશના પાંચ ફીલ્ડર દોડ્યા એ બનાવ વિશે આપણે જાણી ગયા ત્યાર બાદ એ જ મૅચનો બીજો એક કૉમેડી કિસ્સો પણ મજા પડી જાય એવો છે.
વાત એવી છે કે શ્રીલંકાની ઇનિંગ્સ દરમ્યાન સ્લિપમાં ફીલ્ડિંગ કરી રહેલા બાંગ્લાદેશના ત્રણ ફીલ્ડરથી એક કૅચ છૂટી ગયો હતો. પ્રભાત જયસૂર્યાના એક શૉટમાં તેના બૅટની એજ લાગતાં બૉલ સ્ટમ્પ્સની પાછળ ગયો હતો. એ કૅચ હતો જે પહેલો સ્લિપ-ફીલ્ડર અને કૅપ્ટન નજમુલ શૅન્ટો પકડી શક્યો હોત, પણ તેનાથી બૉલ છૂટી ગયો હતો. તેની બાજુમાં સેક્ધડ સ્લિપમાં ઊભેલા શહાદત દીપુએ એ કૅચ પકડવાની કોશિશ કરી હતી, પરંતુ તે પણ નિષ્ફળ રહ્યો હતો. તેના હાથમાંથી ઉછળેલો બૉલ પકડવાનો પ્રયત્ન થર્ડ સ્લિપવાળા ઝાકિર હસને કર્યો હતો, પરંતુ એ પણ નહોતો પકડી શક્યો. તેમની નજીકમાં ઊભેલો વિકેટકીપર લિટન દાસ આ અભૂતપૂર્વ ઘટના જોતો રહી ગયો હતો.
શૅન્ટો બે હાથે તો કૅચ ન પકડી શક્યો, છેલ્લે જમણા હાથે પકડવામાં પણ નિષ્ફળ ગયો હતો. તેનાથી છૂટેલો બૉલ આવતાં દીપુ પણ બે હાથે કૅચ નહોતો પકડી શક્યો અને છેવટે ઝાકિરે એક હાથે કૅચ પકડવાની કોશિશ કરી જેમાં તે પણ ફેલ ગયો હતો.
ત્રણેય સ્લિપ-ફીલ્ડરો કૅચ ન પકડી શકવા બદલ ખૂબ પસ્તાયા હતા.
ત્રણેય સ્લિપ-ફીલ્ડર્સના જગલિંગની આ પ્રક્રિયાએ સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોને આંચકો આપવાની સાથે થોડી કૉમેડી પણ પૂરી પાડી હતી.
શ્રીલંકાએ સેક્ધડ ઇનિંગ્સ 157/7ના સ્કોરે ડિક્લેર કરી દીધી હતી અને બાંગ્લાદેશને 511 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો અને યજમાન ટીમ 318 રને ઑલઆઉટ થઈ જતાં શ્રીલંકાએ 192 રનથી વિજય મેળવીને સિરીઝ 2-0થી જીતી લીધી હતી.