Video: ‘ગંભીર હાય.. હાય..!’ કારમી હાર બાદ બારસાપારા સ્ટેડિયમમાં દર્શકોનો રોષ ફાટી નીકળ્યો

ગુવાહાટી: ભારતીય ક્રિકેટ ટીમ પડકારભર્યા સમયમાંથી પસાર થઇ રહી છે, છેલ્લા એક વર્ષમાં ઘરઆંગણે બે ટેસ્ટ સિરીઝમાં વ્હાઈટ વોશ થતા ટીમના ખેલાડીઓ અને સ્ટાફની ટીકા કરવામાં આવી રહી છે. ભારતીય ક્રિકેટ ચાહકોના ખાસ કરીને ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર રોષ હલાવી રહ્યા છે, ગઈ કાલે ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં કારમી હાર બાદ દર્શકોએ સ્ટેન્ડમાંથી ‘ગંભીર હાય….હાય…’ના નારા લગાવ્યા હતાં.નોંધનીય છે કે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમની 408 રનથી કારમી હાર થઇ હતી, રનના માર્જિનથી ઘરઆંગણે ભારતીય ટીમની સૌથી મોટી ટેસ્ટ હાર છે. ભારતીય ક્રિકેટ ચાહકો ટીમના પ્રદર્શનથી રોષ ભરાયા છે. ગઈ કાલે સ્ટેડીયમના સ્ટેન્ડમાં કેટલાક દર્શકોએ હેડ કોચ ગૌતમ ગંભીર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.
ગંભીરે કોઈ જવાબ ના આપ્યો:
મેચ બાદ ટીમના ખેલાડીઓ અને સ્ટાફ મેમ્બર્સ મેદાનમાં હાજર હતાં, ત્યારે દર્શકોએ સ્ટેન્ડમાં “ગંભીર, હાય…હાય..’ અને ‘ગંભીર, ગો બેક” ના સૂત્રોચ્ચાર કર્યા હતા. ગંભીરે સ્ટેન્ડ તરફ જોયું, અને કોઈ જવાબ આપ્યા વગર મોઢું ફેરવી લીધું.
સિરાજ- સિતાંશુ કોટકે બચાવ કર્યો:
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયોમાં જોવા મળે છે કે, ગંભીર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાંભળીને ટીમનાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે દરમિયાનગીરી કરી, તેણે ઈશારો કરીને દર્શકોને શાંતિ જાળવવા જણાવ્યું. છતાં પણ સૂત્રોચ્ચાર ચાલુ રહેતા સિરાજ અને આસિસ્ટન્ટ કોચ સિતાંશુ કોટક બાઉન્ડ્રી એજ પાસે આવ્યા, દર્શકોને શાંત રહેવા અપીલ કરી.
સિતાંશુ કોટકે દર્શકોને ઠપકો પણ આપ્યો. તેમણે મોટેથી કહ્યું, “એક આદમી ઈન્ડિયા કે લિયે ઈતના બોલતા હૈ ઔર આપ હૈ યે બોલ રહે હો?”
પોલીસે કરી કાર્યવાહી:
આં ઘટના અંગે BCCI ટીમ મેનેજરોએ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. સ્ટેડીયમમાં તૈનાત પોલીસ અધિકારીઓએ ઝડપથી કાર્યવાહી કરી અને સૂત્રોચ્ચાર કરી રહેલા એક શખ્સને સ્ટેન્ડમાંથી કસ્ટડીમાં લીધો.
66 વર્ષમાં પહેલી વાર આવું બન્યું:
ઘર આંગણે રમાયેલી છેલ્લી સાત ટેસ્ટમાં ભારતીય ટીમને પાંચમાં હાર મળી છે, છેલ્લા 66 વર્ષમાં આવું પહેલી વાર બન્યું છે. એક સમયે ઘરઆંગણે ટેસ્ટ મેચમાં અજેય ગણાતી ભારતીયના આટલા નબળા પ્રદર્શનને કારણે ગૌતમ ગંભીર પર દબાણ વધી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ક્રિકટ ચાહકો ઉપરાંત નિષ્ણાંતો પણ તેમની ટીકા કરી રહ્યા છે.
આપણ વાંચો: શર્મનાક પરાજય, ટેસ્ટ ટીમની હાલત `ગંભીર’



