ક્રિકેટ અને ફૂટબૉલ સિતારાઓનું મૅન્ચેસ્ટરમાં મિલન

મૅન્ચેસ્ટર: બુધવારે અહીં ઑલ્ડ ટ્રેફ્રર્ડના મેદાન પર ઇંગ્લૅન્ડ સામે સિરીઝની ચોથી ટેસ્ટ મૅચ શરૂ થાય એ પહેલાં ભારતીય ક્રિકેટરો અહીં જગવિખ્યાત ફૂટબૉલ ક્લબ મૅન્ચેસ્ટર યુનાઇટેડ (MU)ના ખેલાડીઓને મળ્યા હતા અને એકમેક સાથે પોતપોતાના અનુભવો શૅર કરવાની સાથે એકબીજાને શુભેચ્છા આપી હતી.
પ્રીમિયર લીગની ટોચની ટીમ એમયુમાં દેશ-વિદેશના જાણીતા ફૂટબૉલ (FOOTBALL) ખેલાડીઓનો સમાવેશ છે. ટીમ ઇન્ડિયા અને એમયુના ખેલાડીઓએ એકમેક સાથે પોતપોતાની ફેમસ જર્સીની અદલાબદલી કરી હતી. ભારતીય ક્રિકેટરો (Cricketers) થોડું ફૂટબૉલ રમ્યા હતા અને એમયુના ફૂટબૉલ ખેલાડીઓએ ક્રિકેટની થોડી મોજ માણી હતી.
ભારતીય ક્રિકેટરો ઘણી વખત મૅચ પહેલાંના પ્રેક્ટિસ સેશનમાં ફૂટબૉલ રમી લેતા હોય છે. કેપ્ટન શુભમન ગિલે (Shubhman Gill) સૉકર ખેલાડીઓ વચ્ચે ફૂટબૉલને થોડી કિક મારીને આ રમત રમવામાં પણ પોતાને થોડો રસ છે એ બતાવ્યું હતું.
એમયુના ડિફેન્ડર હૅરી મૅગ્વાયરે (Harry Maguire) ફ્રેન્ડલી ક્રિકેટમાં મોહમ્મદ સિરાજના થોડા ફાસ્ટ બૉલનો સામનો કરીને ક્રિકેટની મજા લીધી હતી અને તેની સાથે થોડી હળવી મસ્તીમજાક પણ કરી હતી.
વિકેટકીપર રિષભ પંતે એમયુની ફેમસ જર્સી સાથે પોઝ આપ્યો હતો. એમયુના ફ્રેન્ચ ડિફેન્ડર લેની યૉરોએ ઇન્ડિયન ક્રિકેટ જર્સી સાથે ફોટો પડાવ્યો હતો.
મૅસન માઉન્ટ એમયુનો સ્ટાર પ્લેયર છે અને તેણે જસપ્રીત બુમરાહ સાથે હળવી વાતચીત કરી હતી અને તેમની વાતચીતમાં મૅગ્વાયર પણ જોડાયો હતો. હેડ-કોચ ગૌતમ ગંભીરે એમયુના મૅનેજર (કોચ) રુબેન ઍમોરિમ સાથે ઘણી ચર્ચા કરી હતી.
અર્શદીપ સિંહ, ધ્રુવ જુરેલ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને શાર્દુલ ઠાકુરે એમયુની જર્સી સાથે ફોટો પડાવ્યો હતો. કુલદીપ યાદવ, કરુણ નાયર તેમ જ વોશિંગ્ટન સુંદરે એમયુના કોચિંગ સ્ટાફ સાથે ઘણી વાતચીત કરી હતી.
આ પણ વાંચો…અશ્વિનની સફળતા જોઈને શું હરભજનને ઇર્ષા થઈ હતી? અફવા પર ભજજીએ આપ્યો આ જવાબ