કૉપા અમેરિકામાં કોસ્ટા રિકાને હરાવી કોલમ્બિયા પહોંચ્યું ક્વૉર્ટરમાં, બ્રાઝિલ 4-1થી જીત્યું
ગ્લેન્ડેલ (અમેરિકા): જર્મનીમાં યુરો-2024 નામની યુરોપિયન ફૂટબૉલ ચૅમ્પિયનશિપમાં ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, જ્યારે અમેરિકામાં ઉત્તર તથા દક્ષિણ અમેરિકા ખંડના દેશોની ટીમો વચ્ચેની કૉપા અમેરિકા સ્પર્ધા ચાલી રહી છે જે માટેની ક્વૉર્ટર ફાઇનલ માટેની લાઇન-અપ તૈયાર થઈ રહી છે. શુક્રવારે કોલમ્બિયા (Columbia)એ કોસ્ટા રિકાને 3-0થી હરાવીને ક્વૉર્ટરમાં એન્ટ્રી કરી હતી.
આ મૅચ દરમ્યાન કોલમ્બિયાના ખેલાડીઓનો બૉલ પરનો અંકુશ 62 ટકા હતો. હાફ ટાઇમ વખતે કોલમ્બિયા લુઇસ ડિયાઝના 31મી મિનિટમાં પેનલ્ટી કિકથી મળેલા ગોલની મદદથી 1-0થી આગળ હતું. સેકન્ડ હાફમાં ડેવિન્સન સાન્ચેઝે 59મી મિનિટમાં અને જૉન કૉર્ડોબાએ 62મી મિનિટમાં ગોલ કર્યો હતો. ત્યાર બાદ પણ કોલમ્બિયાના ડિફેન્ડર્સે દરેક ક્ષણે કોસ્ટા રિકાના આક્રમણને ખાળ્યું હતું અને એને એકેય ગોલ નહોતો કરવા દીધો.
કોલમ્બિયાનો હવે બ્રાઝિલ સાથે મુકાબલો છે. કોસ્ટા રિકા સામે કોલમ્બિયા 14-5થી આગળ છે. ખાસ બાબત એ છે કે કોલમ્બિયાની ટીમ છેલ્લી પચીસ મૅચમાં અપરાજિત રહી છે. પચીસમાંથી 20 મૅચમાં કોલમ્બિયાની જીત થઈ છે અને પાંચ મૅચ ડ્રૉમાં ગઈ છે. કોલમ્બિયાની પહેલાં આર્જેન્ટિના, વેનેઝુએલા અને ઉરુગ્વે ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે.
આ પણ વાંચો: યુરો ફૂટબૉલ સ્પર્ધામાં સૌથી મોટી ઉંમરે ગોલ કરનાર ખેલાડી મૅચ પછી કેમ નાખુશ હતો?
શુક્રવારની અન્ય એક મોટી મૅચમાં બ્રાઝિલે (Brazil) પારાગ્વેને 4-1થી હરાવીને ક્વૉર્ટર માટેનો દાવો મજબૂત કર્યો હતો. બ્રાઝિલના ચારમાંથી બે ગોલ વિનિસિયસ જુનિયરે કર્યા હતા.
બ્રાઝિલ વતી ફર્સ્ટ હાફમાં જુનિયર ઉપરાંત સૅવિન્યોએ પણ એક ગોલ કર્યો હતો અને સેક્ધડ હાફમાં લુકાસ પાક્વેટાએ પેનલ્ટી કિકથી ગોલ કરીને બ્રાઝિલની સરસાઈ વધારી હતી.
24મી જૂને બ્રાઝિલની કોસ્ટા રિકા સામેની મૅચ 0-0થી ડ્રૉમાં જતાં બ્રાઝિલે હવે બીજી જુલાઈએ કોલમ્બિયા સામે જીતવું જ પડશે.
અગાઉની એક મૅચમાં પનામાએ યજમાન અમેરિકાને 2-1થી આંચકો આપ્યો હતો.