Copa America: ચિલીનો બ્રાવો બન્યો કૉપા અમેરિકાનો ઑલ્ડેસ્ટ પ્લેયર
આર્જેન્ટિનાની 2-0ની જીત પછી ચિલી-પેરુની મૅચ 0-0થી ડ્રૉ
આર્લિંગ્ટન (ટેક્સસ): એક તરફ જર્મનીમાં યુઇફા યુરોપિયન ફૂટબૉલ ચૅમ્પિયનશિપ ચાલી રહી છે ત્યાં બીજી બાજુ અમેરિકામાં કૉપા અમેરિકા-2024 ફૂટબૉલ સ્પર્ધા શરૂ થઈ છે જેમાં પહેલી બન્ને મૅચ રોમાંચક રહી હતી. ચિલીનો 41 વર્ષનો ગોલકીપર ક્લૉડિયો બ્રાવો (Claudio Bravo) આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો હતો.
ગુરુવારે ગ્રૂપ-એમાં લિયોનેલ મેસીના સુકાનમાં આર્જેન્ટિનાએ કૅનેડાને 2-0થી હરાવ્યું ત્યાર બાદ શુક્રવારે ચિલી અને પેરુ વચ્ચેની મૅચ અત્યંત રસાકસી બાદ 0-0થી ડ્રૉમાં પરિણમી હતી.
બ્રાવો જેની ઉંમર મૅચના દિવસે 41 વર્ષ અને 69 દિવસની હતી તેણે પેરુના આક્રમણનો અસરદાર સામનો કર્યો હતો. બ્રાવોએ ચાર વખત ગોલ થતો રોકીને પોતાની ચિલીની ટીમને પરાજયથી બચાવી લીધી હતી.
આ મૅચમાં બન્ને કટ્ટર હરીફ ટીમ વચ્ચે એટલી બધી રસાકસી થઈ હતી જે એકમેકના ખેલાડીને નીચે પાડીને કે ઈજા પહોંચાડવામાં તેમણે કંઈ જ બાકી નહોતું રાખ્યું. આખી મૅચમાં કુલ 37 ફાઉલ થયા હતા અને રેફરીએ ચાર વખત યલો કાર્ડ બતાવવું પડ્યું હતું.
મંગળવારે ન્યૂ જર્સીમાં આર્જેન્ટિનાનો મુકાબલો ચિલી સામે છે. એમાં 2016ની કૉપા અમેરિકા ફાઇનલનું રીરન જોવા મળી શકે.