દુબઈમાં આયોજિત કાર્યક્રમમાં પાકિસ્તાની ક્રિકેટરોના સન્માનને લઈ વિવાદ, આયોજકોએ આપી સ્પષ્ટતા

દુબઈ: દુબઈના એક કાર્યક્રમમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોના સ્વાગતનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પહલગામ આતંકી હુમલા બાદ ભારતની કાર્યવાહીના વિરુદ્ધમાં પોસ્ટ કરનારા પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનું ભારતીય મૂળના લોકોએ એક કાર્યક્રમમાં સ્વાગત કર્યું હતું. તેની સાથે ઉમર ગુલનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે આ મુદ્દે સોશિયલ મીડિયામાં વિરોધ જામ્યો છે, જેને પગલે હવે આ મામલે આયોજકોને સ્પષ્ટતા આપવી પડી છે.
શું છે સમગ્ર વિવાદ?
ગત 25 મેના રોજ પાકિસ્તાન એસોસિએશન દુબઈ (PAD) ખાતે ‘ઓરમચુવદુકાલ સીઝન 2’ નામની આંતર-મહા વિદ્યાલય નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોચીન યુનિવર્સિટી બી.ટેક એલ્યુમની એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાહિદ આફ્રિદી અને ઉમર ગુલના સ્વાગતનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં કાર્યક્રમમાં હાજર લોકો તેમને જોઈને તાળીઓ પાડી રહ્યા હતા અને “બૂમ બૂમ”ના નારા લગાવી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
આયોજકોની સ્પષ્ટતા
વિવાદ બાદ CUBAAએ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું કે તેમણે શાહિદ આફ્રિદી અને ઉમર ગુલને આમંત્રણ આપ્યું ન હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમારા કાર્યક્રમમાં તેમની હાજરી સંપૂર્ણપણે બિનઆયોજિત અને પૂર્વ માહિતી વિનાની હતી. તે દિવસે PADમાં અન્ય એક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવી રહ્યો હતો, જેમાં તેઓ ભાગ લેવા આવ્યા હતા.” આયોજકોએ જણાવ્યું કે આફ્રિદી અને ગુલ કાર્યક્રમના અંતે અચાનક મંચ પર પહોંચ્યા અને આટલા ઓછા સમયમાં તેમને રોકવા કે લોકોની પ્રતિક્રિયાને નિયંત્રિત કરવી શક્ય નહોતી. તેમણે કહ્યું, અમને થયેલી ગેરસમજ અને કોઈને ઠેસ પહોંચાડવા બદલ ખેદ છે. અમે ભારતના સાંસ્કૃતિક અને સમાવેશી મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છીએ અને અમારો ઈરાદો કોઈને પણ અપમાનિત અનુભવ કરાવવાનો નહોતો.”
આપણ વાંચો: મુંબઈનું છઠ્ઠું ટાઇટલ કે આઇપીએલને મળશે નવું ચૅમ્પિયન?
આફ્રિદી અને ગુલનો વિવાદો સાથે જૂનો નાતો
આ પહેલીવાર નથી જ્યારે શાહિદ આફ્રિદી અને ઉમર ગુલ વિવાદોમાં ઘેરાયા હોય. 2023માં બંને ક્રિકેટરોને તેમના પૂર્વ સાથી અબ્દુલ રઝ્ઝાક દ્વારા બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય વિશે કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના સમર્થનમાં તાળીઓ પાડવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે, ઉમર ગુલે X પર સ્પષ્ટતા કરી હતી. આફ્રિદીએ પણ આ મામલે પોતાને અલગ રાખતા કહ્યું હતું કે તેઓ રઝ્ઝાકને માફી માંગવા માટે કહેશે.