DRS અંગે વિવાદ: હરભજને DRS પર પાકિસ્તાનનો પક્ષ લીધો જ્યારે ગ્રીમ સ્મિથે વળતો જવાબ આપ્યો
શુક્રવારે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. ચેન્નઈના ચેપોકમાં રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે એક વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં એક સમયે એવું લાગતું હતું કે દક્ષિણ આફ્રિકાની ટીમ આસાનીથી જીતી જશે પરંતુ ત્યારબાદ પાકિસ્તાને જોરદાર વાપસી કરીને આફ્રિકાના બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. અંતે મેચ રોમાંચક બની હતી. આ રોમાંચક મેચ પછી ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ અને ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકન કેપ્ટન ગ્રીમ સ્મિથ વચ્ચે ટ્વીટ વોર શરુ થઈ હતી. બંને વચ્ચે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ એટલે કે ડીઆરએસ અંગે વિવાદ થયો છે.
શુક્રવારની મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 270 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ એક સમયે 45 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 260 રન બનાવી લીધા હતા. હરિસ રઉફ 46મી ઓવર નાખવા આવ્યો, જે તેના ક્વોટાની 10મી ઓવર હતી. પ્રથમ બે બોલ પર કોઈ રન ન બન્યા. ત્રીજા બોલ પર રઉફે પોતાના જ બોલ પર લુંગી એનગિડીનો કેચ પકડી લીધો હતો. આ પછી તબરેઝ શમ્સી બેટિંગ કરવા આવ્યો હતો. પાકિસ્તાનને જીતવા માટે માત્ર એક વિકેટની જરૂર હતી. ઓવરનો છેલ્લો બોલ સીધો શમ્સીના પેડ પર વાગ્યો. આના પર રઉફે અપીલ કરી, પરંતુ ફિલ્ડ અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો.
ત્યાર બાદ રઉફે કેપ્ટન બાબરને રિવ્યુ લેવા કહ્યું. ડીઆરએસના બોલ ટ્રેકિંગમાં સ્પષ્ટ થયું કે બોલ લેગ સ્ટમ્પને સ્પર્શી રહ્યો હતો. આવી સ્થિતિમાં અમ્પાયરના કોલને માન્ય ગણવામાં આવ્યો અને શમ્સી નોટઆઉટ રહ્યો. રઉફ અને રિઝવાન સહિત પાકિસ્તાની ખેલાડીઓએ આ નિર્ણય પર નિરાસા વ્યક્ત કરી થયા. આ પછી શમ્સી અને કેશવ મહારાજની જોડીએ દક્ષિણ આફ્રિકાની ટીમને જીત તરફ દોરી હતી.
મેચ બાદ હરભજન સિંહે પાકિસ્તાનનો પક્ષ લીધો અને X (અગાઉના ટ્વિટર) પર પોસ્ટ કર્યું – ખરાબ અમ્પાયરિંગ અને અયોગ્ય નિયમોને કારણે પાકિસ્તાન હારી ગયું. ICCએ આ નિયમ બદલવો જોઈએ. જો બોલ સ્ટમ્પ સાથે અથડાય છે, તો અમ્પાયરે તેને આઉટ આપ્યો છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. નહીં તો ટેક્નોલોજીનો શું ઉપયોગ?
ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકન કેપ્ટન ગ્રીમ સ્મિથે કહ્યું કે ભજ્જી, અમ્પાયરના કોલ અંગે હું તમારી જેમ જ વિચારું છું, પરંતુ શું ડુસેન અને સાઉથ આફ્રિકા પણ એવું જ વિચારી શકે?
હકીકતે, આ જ મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન રસી વાન ડેર ડુસેન ઉસામા મીરના બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. ડુસેને આ અંગે રીવ્યુ લીધો, આ દરમિયાન ડીઆરએસમાં ઘણી ગડબડ જોવા મળી હતી.
પહેલો વિડિયો આવ્યો તેમાં બોલ લેગ સ્ટમ્પથી બહાર જઈ રહ્યો હતો. પરંતુ એ બોલ ટ્રેકિંગને હટાવી થોડી સેકંડ પછી બીજું ટ્રેકિંગ બતાવવામાં આવ્યું. આ વખતે બોલ સ્ટમ્પને અથડાઈ રહ્યો હતો અને અંતે અમ્પાયરના નિર્ણયને માન્ય રાખવામાં આવ્યો અને રસી વાન ડેર ડુસેન આઉટ થઇ ગયો. ગ્રીમ સ્મિથે આ અમ્પાયરના કોલ વિશે વાત કરી રહ્યા હતા, તેમણે કહ્યું કે અમ્પાયરના કોલથી પાકિસ્તાનને પણ ફાયદો થયો હતો.
ડ્યુસેનના રીવ્યુ સાથે સંકળાયેલા બંને ટ્રેકિંગ દર્શાવે છે કે બોલ લાઇનની અંદર પિચ થઇ રહ્યો હતો. ભાગ્યે જ DRS રિપ્લેમાં બે અલગ-અલગ બોલ-ટ્રેકિંગ જોવા મળે છે. આવી સ્થિતિમાં બીજા ટ્રેકિંગને અંતિમ ગણવામાં આવે છે. ડ્યુસેનને અમ્પાયરના કોલ આઉટ હોવાથી આઉટ આપવામાં આવ્યો. હવે ICCએ બે સમીક્ષાઓ અંગે રીવ્યુ અંગે સ્પષ્ટતા કરી છે. આઇસીસીએ વિવાદ પછી ભૂલ સ્વીકારી હતી, પરંતુ કહ્યું હતું કે નિર્ણય યોગ્ય રીતે લેવામાં આવ્યો હતો. બીજો રિપ્લે સાચો હતો અને તેના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજા રીપ્લેમાં સાચી માહિતી દર્શાવવામ આવી હતી.