સ્પોર્ટસ

ભારત પાકિસ્તાનના મેચ પહેલા EaseMyTripએ WCLથી સ્પોન્સરશીપ હટાવી, જાણો કારણ…

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ (WCL)ની ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમિફાઈનલ મેચ પહેલાં મોટો વિવાદ છેડાયો છે. ટ્રાવેલ કંપની EaseMyTripએ આ મેચમાંથી પોતાને અલગ કરી લીધું છે. કંપનીના કો-ફાઉન્ડર નિશાંત પિટ્ટીએ જણાવ્યું કે, “આતંકવાદ અને ક્રિકેટ એકસાથે ન ચાલી શકે.” આ નિર્ણયને દેશભક્તિના પગલાં તરીકે જોવામાં આવે છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

EaseMyTripના કો-ફાઉન્ડર નિશાંત પિટ્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે, “અમે ભારત ચેમ્પિયન્સ ટીમને WCLમાં શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપીએ છીએ, પરંતુ પાકિસ્તાન સામેની સેમિફાઈનલ મેચ સામાન્ય નથી. અમે એવા કોઈ ઈવેન્ટને સમર્થન નહીં આપીએ જે આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશ સાથે સંબંધોને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરે. અમારા માટે દેશ પ્રથમ છે, વ્યવસાય પછી.” આ નિવેદન બાદ કંપનીએ પોતાને આ મેચની સ્પોન્સરશિપથી હટાવી દીધું છે.

આ નિર્ણયનું મુખ્ય કારણ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલો છે, જેમાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. આ ઘટનાએ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને વધાર્યો છે. ઉલ્લેખનીય છે કે EaseMyTripએ WCLના પાંચ વર્ષના સ્પોન્સરશિપ કરારને તોડી નાખ્યો છે. તેણે સ્પષ્ટ કર્યું કે તે પાકિસ્તાનની સંડોવણીવાળી કોઈપણ મેચને અમારું સમર્થન નહીં મળે. આ પહેલાં પણ લીગ સ્ટેજની ભારત-પાકિસ્તાન મેચ રદ થઈ હતી, જેનું મુખ્ય કારણ ભારતીય ખેલાડીઓ અને સ્પોન્સર્સનો વિરોધ બન્યો હતો.

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ (WCL) એક T20 ટૂર્નામેન્ટ છે, જેમાં ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ જેવા દેશોના નિવૃત્ત દિગ્ગજ ખેલાડીઓ ભાગ લે છે. ભારત ચેમ્પિયન્સ ટીમે વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. સ્ટુઅર્ટ બિન્ની, યુવરાજ સિંહ અને યૂસુફ પઠાણના શાનદાર પ્રદર્શને ટીમને ટોપ-4માં પહોંચાડી હતી. જોકે, પાકિસ્તાન સામેની આ મેચનું ભાવિ હજુ અનિશ્ચિત છે, કારણ કે ટૂર્નામેન્ટ આયોજકોએ હજુ સુધી સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button