IND vs AUS: ટીમ ઇન્ડિયા સામે ષડયંત્ર! મેલબોર્નમાં પ્રેક્ટીસ માટે આવી પિચ આપવામાં આવી

મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) હાલ 1-1થી સરભર છે, હવે સિરીઝની ચોથી મેચ 26મી ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં રમાશે. એ પહેલા ઘણાના વિવાદોએ જોર પકડ્યું છે. એવામાં ભારતીય ટીમે (Indian Cricket Team) પ્રેક્ટિસ માટે ફાળવવામાં આવેલી પીચો અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. પિચના અસમાન ઉછાળને કારણે રોહિત શર્માના ઘૂંટણમાં ઈજા થઇ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
પીચને કારણે રોહિતને ઈજા પહોંચી!
પરંતુ MCGના પીચ ક્યુરેટર મેટ પેજે પીચોનો બચાવ કરતા કહ્યું હતું કે ‘સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ’નું પાલન કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફ મેમ્બર દયાનંદ ગરાણી તરફથી થ્રોડાઉન રમવાનો પ્રયાસ કરતી વખતે રોહિતના ડાબા ઘૂંટણમાં બોલ વાગ્યો હતો જેને કારણે સોજો આવી ગયો હતો, રોહિતે રવિવારે નેટમાં પ્રેક્ટિસ કરી નહોતી. ટીમે સોમવારે પ્રેક્ટિસ ન કરવાનો નિર્ણય લીધો હતો.
અહેવાલ મુજબ ભારતીય ટીમે તેનું પ્રેક્ટીસ શેડ્યૂલ બે મહિના પહેલા મોકલ્યું હતું પરંતુ MCG ક્યુરેટરે ટેસ્ટ મેચના માત્ર ત્રણ દિવસ અગાઉ જ પીચ આપી હતી. તેમણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસની વાત કરી હતી.
ટીમ ઇન્ડિયાને આવી પીચ આપવામાં આવી:
મેલબોર્ન ટેસ્ટ મેચ પહેલા પિચને અંગે હોબાળો થઈ રહ્યો છે. ભારતીય ટીમને પ્રેક્ટિસ માટે એવી પીચ આપવામાં આવી ન હતી જેના પર પેસ અને બાઉન્સ મળે. ભારતીય ટીમ આનાથી નાખુશ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રેક્ટિસ માટે નવી પિચો આપવામાં આવી હતી. દાવા પ્રમાણે ભારતીય ટીમને પ્રેક્ટિસ માટે જાણી જોઈને આવી પિચો આપવામાં આવી હતી, જેનાથી તેમની પ્રેક્ટિસ પર અસર પડે અને તેઓ મેલબોર્ન ટેસ્ટ માટે યોગ્ય રીતે તૈયારી કરી શકે નહીં.
Also Read – મોહમ્મદ શમી વિશે બીસીસીઆઇનો મહત્ત્વનો ફિટનેસ રિપોર્ટ આવી ગયો…ઑસ્ટ્રેલિયા જશે કે નહીં?
ક્યુરેટરે શું કહ્યું?
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ના પીચ ક્યુરેટર મેટ પેજે કહ્યું છે કે, “MCGમાં પર્થ જેવો બાઉન્સ કે ગાબા જેવી સીમ મૂવમેન્ટ નહીં હોય પરંતુ ગ્રાસને કારણે પિચ ફાસ્ટ બોલિંગ માટે યોગ્ય રહેશે. સ્પિનરોને મદદ મેળે એટલી તિરાડો નહીં હોય.”