શિખર ધવનને શાનદાર કરીઅર બદલ સેહવાગ, ગંભીર સહિત અનેકના અભિનંદન
11 વર્ષ પહેલાં ધવને ઓપનિંગમાં સેહવાગનું સ્થાન લીધું હતું: કુંબલેએ મૅસેજમાં લખ્યું ‘હૅપી રિટાયરમેન્ટ’
નવી દિલ્હી: 38 વર્ષના ઓપનિંગ બૅટર શિખર ધવને શનિવારે અચાનક જ ઇન્ટરનૅશનલ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી એને પગલે સોશિયલ મીડિયા પર તેને અનેક ક્રિકેટરોના શાનદાર કારકિર્દી બદલ અભિનંદનના તેમ જ જીવનની નવી ઇનિંગ્સ વિશે શુભેચ્છા આપવામાં આવી હતી. ખાસ કરીને વીરેન્દર સેહવાગ, કે તેના સ્થાને જ શિખરને 2013માં ટેસ્ટ ટીમમાં ઓપનિંગમાં સ્થાન મળ્યું હતું તેણે પણ શિખરના ભરપેટ વખાણ કર્યા હતા.
સાથી ખેલાડીઓ તેમ જ કરોડો ચાહકોમાં ‘ગબ્બર’ તરીકે અને ‘શિખ્ખી’ તરીકે જાણીતા શિખરે સચિન તેન્ડુલકર, સેહવાગ તેમ જ સૌરવ ગાંગુલી પછીના યુગમાં ટીમ ઇન્ડિયા માટે ઓપનિંગની જવાબદારી બહુ સારી રીતે ઊપાડી હતી અને ભારતને અનેક જીત અપાવી હતી.
34 ટેસ્ટ, 167 વન-ડે અને 68 ટી-20 રમનાર શિખર વિશે સેહવાગે મીડિયા પરની પોસ્ટમાં લખ્યું, ‘બધાઈ હો શિખ્ખી. જ્યારથી તેં (2013ની સાલની) મોહાલીની ટેસ્ટમાં મારું સ્થાન લીધું હતું ત્યાર પછી તેં પાછળ વળીને ક્યારેય જોયું નહોતું અને વર્ષો સુધી ઘણા ટૉપ પર્ફોર્મન્સીસ આપ્યા હતા. જીવનની નવી ઇનિંગ્સને તું મોજપૂર્વક માણે એવી શુભેચ્છા. મારી શુભકામના હંમેશાં તારી સાથે રહેશે.’
શિખરના એક સમયના સાથી બૅટર અને તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાના હેડ-કોચ બનેલા ગૌતમ ગંભીરે મીડિયામાં લખ્યું, ‘શિખ્ખી, તને સંગીન અને શાનદાર કારકિર્દી બદલ
ખૂબ-ખૂબ અભિનંદન. મને ખાતરી છે કે ભવિષ્યમાં તું જે પણ કરીશ એ આવા જ આનંદિત મૂડમાં કરતો રહીશ.’
સુરેશ રૈના, હાર્દિક પંડ્યા તથા શ્રેયસ ઐયરે પણ શિખરને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા. અનિલ કુંબલેએ તેના માટેના સંદેશામાં છેલ્લે લખ્યું, ‘હૅપી રિટાયરમેન્ટ’.
બીસીસીઆઇએ પણ શિખરને ભવ્ય કારકિર્દી બદલ અભિનંદન આપવાની સાથે ભવિષ્ય માટે શુભકામના આપી હતી.
વીવીએસ લક્ષ્મણે એક્સ પર લખ્યું, ‘ધવન ગ્રેટ ક્રિકેટર તો છે જ, મેદાન બહારની તેની પ્રતિભાથી પણ હું પ્રભાવિત થયો છું. કોઈ પણ બાબતમાં સકારાત્મક અભિગમ અપનાવવો અને સમાધાનકારી વલણ રાખવું એ તેના સૌથી મોટા ગુણ છે.’
વસીમ જાફરે શિખરના જોશ અને જુસ્સાને ખૂબ બિરદાવ્યો હતો. જાફરે કહ્યું, ‘શિખર તો મોટી ટૂર્નામેન્ટોનો ખેલાડી કહેવાય. તે વધુ મોટી પ્રશંસાને પાત્ર હતો જે તેને નહોતી મળી. જોકે ટીમ જીતી હોય તો કોને વધુ શાબાશી મળી એની તે ક્યારેય પરવા નહોતો કરતો. તે આખી કરીઅર દરમ્યાન હંમેશાં ટીમ-મૅન બની રહ્યો.’
પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓપનર સઈદ અનવરે પણ શિખરની પુષ્કળ પ્રશંસા કરતો સંદેશ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. અનવરે લખ્યું, ‘ચાહકો સહિત બધા તારી અથાક મહેનત, સંકલ્પશક્તિ, મેદાન પરના કૌશલ્યથી પ્રભાવિત થયા છે. માનવી તરીકેની મહાનતા બદલ પણ તું હંમેશાં લોકોના દિલમાં સ્થાન જાળવી રાખીશ.’
ઇંગ્લૅન્ડના અમ્પાયર રિચર્ડ કેટલબરૉએ એક જૂનો વીડિયો શૅર કરવાની સાથે શિખરને ભારતના શ્રેષ્ઠ લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટર્સમાંના એક બૅટર તરીકે ઓળખાવ્યો હતો અને તેના માટે લખ્યું, ‘હૅપી રિટાયરમેન્ટ, ધવન’.