સ્પોર્ટસ

પાકિસ્તાની ક્રિકેટરોના દાઝ્યા પર ડામ, હારની હારમાળા વચ્ચે દંડના પ્રહારો

કરાચીઃ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં યજમાન હોવા છતાં ભારત સામેના દુબઈના પરાજયની સાથે ટૂર્નામેન્ટની બહાર ફેંકાતાં પાકિસ્તાન (Pakistan)નું નાક કપાઈ ગયું ત્યાર બાદ હવે ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) સામે એની હારમાળા શરૂ થઈ છે અને અધૂરામાં પૂરું, મૅચ-રેફરી જેફ ક્રોએ પાકિસ્તાની ટીમના દરેક ખેલાડીને સ્લો ઓવર-રેટના ક્રિકેટલક્ષી ગુના બદલ કુલ 15 ટકા મૅચ ફીનો દંડ ફટકાર્યો છે.

બુધવારે મોહમ્મદ રિઝવાનના સુકાનમાં પાકિસ્તાનની ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝની બીજી વન-ડે હારી ગઈ હતી એ સાથે કિવીઓએ ટી-20 પછી વન-ડે શ્રેણી પણ જીતી લીધી છે.

આપણ વાંચો: T20 World Cup: ‘ફ્લાઈટ પકડો અને ઘરે આવી જાઓ’ આ દિગ્ગજ ખેલાડીએ પાકિસ્તાની ટીમની ઝાટકણી કાઢી

29મી માર્ચની વન-ડેમાં રિઝવાન (Mohammed Rizwan) પોતાના બોલર્સ પાસે નિર્ધારિત સમયમાં ઓવર પૂરી નહોતો કરાવી શક્યો જેને પગલે ટીમના દરેક ખેલાડીની 10 ટકા મૅચ ફી કાપી લેવાઈ હતી. બુધવારની મૅચમાં પણ એનું પુનરાવર્તન થયું જેને લીધે પ્રત્યેક ખેલાડીની પાંચ ટકા મૅચ ફી કપાઈ ગઈ હતી.

ફૉર્મેટ બદલાયું, કૅપ્ટન બદલાયો, સ્થળ બદલાયા અને હવામાન સહિતની સ્થિતિ પણ બદલાઈ એમ છતાં પાકિસ્તાની ક્રિકેટરોના પર્ફોર્મન્સમાં કોઈ જ ફેરફાર ન થયો અને તેઓ પરાજિત જ થતા રહ્યા છે.

ચૅમ્પિયન્સ ટ્રોફીમાં મોહમ્મદ રિઝવાનના સુકાનમાં પાકિસ્તાનની ટીમ બેહાલ થઈ ત્યાર બાદ ન્યૂ ઝીલૅન્ડના પ્રવાસમાં સલમાન આગાની કૅપ્ટન્સીમાં પાકિસ્તાની ટીમ ટી-20 શ્રેણીમાં 1-4થી હારી ગઈ હતી. હવે ફરી રિઝવાન કૅપ્ટન છે અને ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં પાકિસ્તાનીઓ 0-2થી પાછળ છે અને શનિવારની છેલ્લી મૅચ પણ હારશે એટલે તેમનો આ શ્રેણીમાં સફાયો થઈ જશે.

એકંદરે પાકિસ્તાન છેલ્લી કુલ 10 મૅચ (પાંચ વન-ડે, પાંચ ટી-20)માંથી આઠ મૅચ હાર્યું છે, એક મૅચ જીત્યું છે અને એક મૅચ અનિર્ણીત રહી છે.

આપણ વાંચો: T20 World Cup: ન્યૂ યૉર્કમાં પાકિસ્તાની ટીમની રોજની 85 મિનિટ બચી ગઈ, જાણો કેવી રીતે…

બૉલ્ટ, સૅન્ટનર જેવા મુખ્ય ખેલાડીઓ આઇપીએલમાં

પાકિસ્તાનીઓને કિવીઓએ એવું દર્દ આપ્યું છે જે તેઓ દાયકાઓ સુધી નહીં ભૂલે. નવાઈની વાત એ છે કે ન્યૂ ઝીલૅન્ડના ઘણા મુખ્ય ખેલાડીઓ જેમ કે ટ્રેન્ટ બૉલ્ટ, મિચલ સૅન્ટનર, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ વગેરે હાલમાં ભારતની આઇપીએલમાં રમી રહ્યા છે ત્યારે કિવીઓની `બી’ ગે્રડની ટીમ સામે પણ પાકિસ્તાને કુલ સાતમાંથી છ મૅચમાં પરાજય જોયો છે.

વર્તમાન વન-ડે શ્રેણીમાં શું બન્યું?

માઇકલ બ્રેસવેલની કૅપ્ટન્સીમાં ન્યૂ ઝીલૅન્ડે વન-ડે સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી છે. 29મી માર્ચે નૅપિયરમાં કિવીઓએ પાકિસ્તાનને પ્રથમ વન-ડેમાં માર્ક ચૅપમૅનના 132 રન તથા નૅથન સ્મિથની ચાર વિકેટની મદદથી 73 રનથી હરાવ્યું હતું.

બુધવારે હૅમિલ્ટનની બીજી વન-ડેમાં ન્યૂ ઝીલૅન્ડનો મિચલ હેયના અણનમ 99 રનની મદદથી તેમ જ બેન સીયર્સની પાંચ અને જૅકબ ડફીની ત્રણ વિકેટ સાથે પાકિસ્તાનનો 84 રનથી પરાભવ થયો હતો.

હવે શનિવારે માઉન્ટ મોન્ગેનુઇમાં અંતિમ વન-ડે રમાશે. આ વન-ડે સિરીઝમાં કિવી બૅટ્સમેન અને બોલર મોખરે છે. માર્ક ચૅપમૅન 132 રન સાથે નંબર-વન છે, જ્યારે બેન સીયર્સ અને ડફી પાંચ-પાંચ વિકેટ સાથે અવ્વલ છે.

ટી-20 સિરીઝમાં એકમાત્ર જીત મેળવી

પાકિસ્તાને ન્યૂ ઝીલૅન્ડની ધરતી પર ટી-20 સિરીઝથી શરૂઆત કરી હતી જેમાં સલમાન આગાના સુકાનમાં પાકિસ્તાનીઓ ફક્ત એક મૅચ જીત્યા હતા. સિરીઝની એ ત્રીજી મૅચ હતી.

જોકે એ મૅચની પહેલાંની બે અને પછીની બે મૅચ જીતીને ન્યૂ ઝીલૅન્ડે 4-1થી શ્રેણી જીતી લીધી હતી. જેમાં ઓપનર ટિમ સીફર્ટ મૅન ઑફ ધ સિરીઝ બન્યો હતો. તેણે આખી શ્રેણીમાં હાઇએસ્ટ 249 રન કર્યા હતા. બોલિંગમાં જૅકબ ડફી 13 વિકેટ સાથે મોખરે હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button