અમેરિકન ઓપનમાં 19 વર્ષની ટેનિસ પ્લેયરે રચ્યો ઈતિહાસ

ન્યૂયોર્કઃ અમેરિકાની 19 વર્ષની ટેનિસ પ્લેયર કોકો ગોફે યુએસ ઓપન 2023માં ચેમ્પિયન બની અપસેટ સર્જ્યો છે. આ જીત સાથે તેને પચીસ કરોડ રુપિયાની માતબર રકમ પણ જીતી છે. 1999 પછી તે યુએસ ઓપન જીતનારી સૌથી પહેલી ટીનેજર ખેલાડી બની છે. 1999માં સેરેના વિલિયમ્સે ઈતિહાસ બનાવ્યો હતો. ગોફના આ શાનદાર પ્રદર્શનથી તેના રેન્કિંગમાં સુધારો થશે. તે હવે છઠ્ઠા નંબર પરથી ત્રીજા નંબરે પહોંચી જશે.
કોકોએ અહીંના આર્થર એશે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બેલારુસની અરિના સબાલેન્કાને હરાવી હતી. કોકોની કારકિર્દીનું આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ પણ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સબલેન્કા આ અમેરિકન ખેલાડી સામે રમતમાં લાચાર જણાઈ હતી અને પહેલો સેટ ગુમાવ્યા બાદ કોકો ગોફે મેચમાં જોરદાર વાપસી કરી હતી. જોકે, ટાઈટલ મેચની શરૂઆત કોકો માટે સારી રહી નહોતી. સબલેન્કાએ પહેલો સેટ 6-2થી જીત્યો હતો. આ પછી કોકોએ બીજા સેટમાં શાનદાર વાપસી કરી હતી. યુવા અમેરિકન ખેલાડીએ સેટ 6-3થી જીતી લીધો હતો. ત્રીજા સેટમાં પણ કોકો ગોફે સાબાલેન્કાને પછાડીને સેટ 6-2થી જીતીને ટાઈટલ પર કબજો કર્યો હતો.
મળતા અહેવાલો અનુસાર આ પ્રસંગે કોકો ગફ ભાવુક થઈ ગઈ હતી. તે પોતાના આંસુ રોકી ન શકી નહોતી અને રડી પડી હતી. આ ટાઈમટલ જીત્યા પછી માતાપિતાને રડતા રડતા ગળે લગાવ્યાં હતા. આ ટાઈટલ જીત્યા પછી માતાપિતા, દાદા-દાદી અને પોતાના ભાઈ બહેનનો આભાર માન્યો હતો. યુએસ ઓપન ટાઈટલ મેચમાં સબલેન્કાને ફેવરિટ માનવામાં આવી રહી હતી.
જોકે, કોકોએ પોતાની રમતથી બધાને દિવાના બનાવી દીધા હતા. સેમી ફાઈનલ મેચમાં કોકોએ કેરોલિના મુચોવાને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી.