કેકેઆરને ચૅમ્પિયન બનાવનાર કોચ ચંદ્રકાન્ત પંડિતની ટીમમાંથી વિદાય, ત્રણ સીઝન પછી કરી ગુડબાય | મુંબઈ સમાચાર

કેકેઆરને ચૅમ્પિયન બનાવનાર કોચ ચંદ્રકાન્ત પંડિતની ટીમમાંથી વિદાય, ત્રણ સીઝન પછી કરી ગુડબાય

કોલકાતાઃ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ફ્રૅન્ચાઇઝી ત્રણ સીઝન બાદ હવે મુખ્ય કોચ ચંદ્રકાન્ત પંડિત (ChandraKant Pandit)થી અલગ થઈ રહ્યું છે. પંડિત 2022માં કેકેઆર સાથે જોડાયા હતા. ત્યારે ભૂતપૂર્વ કિવી બૅટ્સમૅન બ્રેન્ડન મૅક્લમને ઇંગ્લૅન્ડની ટીમના હેડ-કોચ તરીકે નીમવામાં આવ્યા ત્યારે પંડિતની નિયુક્તિ કેકેઆરમાં તેના સ્થાને થઈ હતી.

2024માં શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં કેકેઆરની ટીમ આઇપીએલ (IPL) ચૅમ્પિયન બની ત્યારે પંડિત આ ટીમના હેડ-કોચ હતા. કેકેઆરે 2025માં શ્રેયસને તો જાકારો આપી જ દીધો હતો, હવે પંડિતને પણ ગુડબાય કરવી પડી છે. શ્રેયસના સુકાનમાં પંજાબ કિંગ્સની ટીમ આ વખતની આઇપીએલમાં રનર-અપ રહી હતી.

આપણ વાંચો:  ગ્રાઉન્ડ્સમૅને અમને પિચથી અઢી મીટર દૂર રહેવા કહ્યું એટલે પરિસ્થિતિ તંગ થઈ ગઈઃ સિતાંશુ કોટક

કેકેઆરના ફ્રૅન્ચાઇઝીએ મંગળવારે સોશિયલ મીડિયામાં જાણકારી આપતા જણાવ્યું હતું કે ` ચંદ્રકાન્ત પંડિત હવે કોઈ નવો અવસર શોધી રહ્યા છે અને કેકેઆર સાથે મુખ્ય કોચ તરીકેની ભૂમિકા જાળવી રાખવા નથી માગતા. અમે તેમના અમૂલ્ય યોગદાન બદલ આભારી છીએ. તેમના કોચિંગમાં કેકેઆરની ટીમ 2024માં ટ્રોફી જીતી હતી અને તેમના જ કોચિંગમાં ટીમ મજબૂત પણ બની છે. તેઓ ટીમ પર અનેરો પ્રભાવ છોડી રહ્યા છે. અમે તેમને ભવિષ્ય માટે શુભકામના આપીએ છીએ.’

કેકેઆરના ટવીટમાં ચંદ્રકાન્ત પંડિત માટે જણાવાયું હતું કે ` તમે અમારા માટે હંમેશાં ગૌરવપૂર્ણ રહેશો. હંમેશાં અમારા સેનાપતિ ગણાશો. ચંદુ સર, કોલકાતાને હંમેશાં તમારા ઘર જેવું જ ગણજો.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button