લખનઊ: આઇપીએલમાં શનિવારે સામાન્ય રીતે ડબલ હેડર મુકાબલા એટલે કે બૅક-ટુ-બૅક બે મૅચ હોય છે, પણ લખનઊમાં આ વખતે (શનિવાર, 30મી માર્ચ) એક જ જંગ છે જે જોવા જેવો થઈ શકે. છેલ્લે (2023ની 28મી એપ્રિલે) આ જ બે ટીમ (લખનઊ અને પંજાબ) મોહાલીમાં સામસામે આવી હતી ત્યારે બૅટર્સના બૅટમાંથી જોરદાર આતશબાજી થઈ હતી.
લખનઊએ સ્ટોઇનિસ (72 રન), માયર્સ (54 રન) અને પૂરન (45) તેમ જ બદોની (43)ની ફટકાબાજીથી પાંચ વિકેટે 257 રન ખડકી દીધા હતા અને જવાબમાં પંજાબની ટીમ 201 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
જોકે હવે બન્ને ટીમ લખનઊમાં સામસામે છે જ્યાં હોમ ટીમ કાળી માટીને બદલે લાલ માટીવાળી પિચ પસંદ કરશે જેના પર ઝડપી બોલર્સને સારા એવા બાઉન્સ અને પેસ મળશે. જોકે લખનઊના પેસ પાવરની સરખામણીમાં પંજાબનું પેસ આક્રમણ ચડિયાતું હોવાથી લખનઊની હોમ ટીમે ભારે સંઘર્ષ કરવો પડશે. લખનઊ પાસે ફાસ્ટ બોલર્સમાં મોહસીન ખાન, નવીન-ઉલ-હક અને યશ ઠાકુર (અથવા શમાર જોસેફ) છે, જ્યારે પંજાબ પાસે કૅગિસો રબાડા, સૅમ કરૅન, અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલ છે. એકંદરે, સ્પિન બોલર્સને આ પિચ પર ખાસ કંઈ ફાયદો નહીં થાય એવું મનાય છે.
રાહુલના લખનઊ પાસે પાવરફુલ પેસ બોલિંગ નથી, પણ એના હાર્ડ-હિટર્સ શિખર ધવનના પંજાબના બોલર્સને જવાબ આપી શકશે. લખનઊ પાસે ક્વિન્ટન ડિકૉક, કેએલ રાહુલ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, દીપક હૂડા, કાઇલ માયર્સ અને આયુષ બદોની છે. ખાસ કરીને રાહુલ અને રબાડા વચ્ચેની હરીફાઈ જોવા જેવી હશે. રાહુલે તેના 36 બૉલમાં 50 રન બનાવ્યા છે, જ્યારે રબાડાએ તેને ત્રણ વાર આઉટ કર્યો છે. પંજાબના અર્શદીપ સામે લખનઊના દેવદત્ત પડિક્કલ વચ્ચે પણ ટક્કર જોવા મળી શકે. પડિક્કલે તેના 31 બૉલમાં 49 રન બનાવ્યા છે, પરંતુ અર્શદીપે તેને ત્રણ વાર પૅવિલિયનમાં મોકલ્યો છે.
Taboola Feed