ક્રિસ વૉક્સે સૂર્યકુમારની જેમ અદભુત કૅચ પકડવાનો પ્રયાસ કર્યો અને…
મુલતાન: 29મી જૂને બ્રિજટાઉનમાં ભારતના વર્તમાન ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ટી-20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં લૉન્ગ-ઑફ પરથી દોડી આવીને બાઉન્ડરી લાઇનની આર-પાર જઈને ડેવિડ મિલરનો અદભુત અને ટાઇટલ-વિનિંગ કૅચ પકડ્યો એનું રીરન મંગળવારે મુલતાનમાં પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે થતાં રહી ગયું હતું. ઇંગ્લૅન્ડના ક્રિસ વૉક્સે લૉન્ગ-ઑફ પરથી દોડી આવ્યા પછી બાઉન્ડરી લાઇનની આર-પાર જઈને સલમાન આગાનો કૅચ પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમાં તે જરાક માટે નિષ્ફળ રહ્યો હતો.
વાત એવી છે કે પાકિસ્તાનની પ્રથમ ઇનિંગ્સમાં 116મી ઓવર ઇંગ્લૅન્ડના લેફ્ટ-આર્મ સ્પિનર જૅક લીચે કરી હતી. સલમાન આગા 15 રન પર રમી રહ્યો હતો. લીચના ત્રીજા બૉલમાં સલમાને ઊંચો શૉટ માર્યો હતો. બાઉન્ડરી લાઇન પાસે દોડી આવેલા વૉક્સે બૉલ ઝીલી લીધો હતો, પરંતુ કૅચ કમ્પ્લીટ થાય એ પહેલાં તે બૉલ હવામાં છોડીને બાઉન્ડરી લાઇનની બહાર જતો રહ્યો હતો અને બીજી જ ક્ષણે અંદર આવતી વખતે તેણે બૉલ ફરી ઝીલી લીધો હતો. જોકે ફરી બૉલ ઝીલ્યો ત્યારે (બીજા પ્રયાસમાં) તેનો જમણો પગ બાઉન્ડરીની બહાર જમીનને અડકેલો જ હતો. તેણે કૅચ પકડ્યો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ અમ્પાયરે રિપ્લે જોઈને સિક્સર જાહેર કરી દીધી હતી.
આ પણ વાંચો : બોલર્સની કમાલ પછી સૂર્યા-હાર્દિકની ધમાલ, ભારત પ્રથમ ટી-20 જીત્યું
સલમાન આગાએ એ જીવતદાનનો પૂરો ફાયદો લીધો હતો, કારણકે તે ત્રીજી ટેસ્ટ સદી (104 અણનમ, 119 બૉલ, ત્રણ સિક્સર, દસ ફોર) ફટકારવામાં સફળ રહ્યો હતો.
પાકિસ્તાને મુલતાનની બૅટિંગ-પિચ પર રનનો ઢગલો કરી દીધો હતો. પાકિસ્તાનના 556 રનમાં ત્રણ બૅટરની સેન્ચુરી સામેલ હતી. સલમાન આગા ઉપરાંત કૅપ્ટન શાન મસૂદે 151 રન અને ઓપનર અબ્દુલ્લા શફીકે 102 રન બનાવ્યા હતા. સાઉદ શકીલ (82 રન) અઢાર રન માટે સદી ચૂકી ગયો હતો.
ઑલી પૉપની કૅપ્ટન્સીમાં આ ટેસ્ટ રમતા ઇંગ્લૅન્ડ વતી જૅક લીચે ત્રણ તેમ જ ગસ ઍટક્ધિસન અને બ્રાયડન કાર્સે બે-બે વિકેટ લીધી હતી.