ઓવલ ટેસ્ટનો હીરો બન્યો વોક્સ: ખભામાં ઈજા છતાં બેટિંગ કરવા કેમ ઉતર્યો? કર્યો મોટો ખુલાસો

લંડન: ભારત અને ઇંગ્લેન્ડની પુરુષ ક્રિકેટ ટીમ વચ્ચે તાજેતરમાં રમાયેલી એન્ડરસન-તેન્દુલકર ટ્રોફીની પંચમી મેચ ખુબ રસપ્રદ રહી, ખાસ કરીને મેચના છેલ્લા દિવસે ખુબ જ નાટકીય ઉતાર-ચઢાવ જોવા મળ્યા. ઇંગ્લેન્ડને જીતવા માટે છેલ્લા દિવસે 35 રનની જરૂર હતી અને 4 વિકેટ બાકી હતી, ભારતે આ વિકેટો ખેરવીને જીત મેળવી. ઇંગ્લેન્ડની હાર છતાં ટીમનો ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ (Chris Woakes) તેના લડાયક સ્પીરીટને કારણે હીરો બની ગયો. ખભામાં ઇજા હોવા છતાં ટીમને જરૂર પડતા ક્રિસ વોક્સ બેટિંગ કરવા ઉતાર્યો હતો, ઈજા છતાં બેટિંગ કરવા ઉતારવાના અંગે વોક્સે હવે ખુલીને વાત કરી છે.
બ્રિટનના એક જાણીતા અખબાર સાથે વાત કરતા વોક્સે કહ્યું, “મને હજુ પણ દુખાવો છે, પણ મેં ક્યારેય એવું વિચાર્યું ન હતું કે બેટિંગ કરવા નહીં જાઉં, ભલે જીતવા માટે હજુ 100 રન બાકી હોત તો પણ હું રમવા ગયો હોત. દર્શકોએ મને તાળીઓથી વધાવ્યો અને કેટલાક ભારતીય ખેલાડીઓએ પણ આદર દર્શાવ્યો એ સારું લાગ્યું. પરંતુ મારી જગ્યાએ અન્ય કોઈ પણ ખેલાડી હોત તો તેણે પણ આવું જ કર્યું હોત.”
આ પણ વાંચો: સિરાજે મુંબઈ ઍરપોર્ટ પર થોડા ચાહકોની સેલ્ફી-ઑટોગ્રાફની વિનંતી સ્વીકારી અને પછી…
નોંધનીય છે કે ઈજાગ્રસ્ત વોક્સને કોઈ બોલ રમવાની જરૂર પડી ના હતી, તે નોન સ્ટ્રાઈકર એન્ડ પર જ રહ્યો. પણ સામે છેડે રમી રહેલા એટકિન્સન સાથે રન દોડતી વખતે વોક્સને દુખાવો થતો હતો. સિંગલ્સ લેવામમાં તેને સંઘર્ષ કરવો પડ્યો હતો, તેના ચહેરા પર એ દેખાઈ રહ્યું હતું.
ઈન્ટરવ્યું દરમિયાન વોક્સે કહ્યું , “પહેલો રન સૌથી મુશ્કેલ હતો. મેં ફક્ત કોડીન લીધું હતું અને મને દુખાવો થઇ રહ્યો હતો. પણ પછી મારો હાથ બાંધેલો હોવા છતાં હું સામાન્ય રીતે દોડવાનો પ્રયાસ કર્યો. મને ખરેખર ચિંતા હતી કે મારો ખભો ફરી ઉતરી ગયો છે, તેથી મેં મારું હેલ્મેટ ફેંક્યું, દાંત વડે ગ્લોવ ખોલીને કાઢી નાખ્યું અને તપાસી જોયું કે બધું ઠીક તો છે ને.”
આ પણ વાંચો: લૉર્ડ્સના ગ્રાઉન્ડ પર આવી ચડ્યું શિયાળ!
વોક્સે કહ્યું કે “મારા મનમાં ક્યારેક વિચાર આવે છે કે જો મારે બોલ રમવાનો થયો હોત તો! કદાચ હું એક ઓવર રમી શક્યો હોત, એકાદ રન બનાવી શક્યો હોત કે ચોગ્ગો ફટકારી શક્યો હોત. પણ બીજી બાજુ એ પણ વિચાર આવે છે કે માટે એક હાથથી 90mph ની ઝડપે આવતા બાઉન્સરનો સામનો કરવો પડ્યો હોત અને કઈંક ખરાબ થઇ શક્યું હોત અને મને ખબર હતી કે જો હું સ્ટ્રાઈક પર આવીશ તો મારે થોડા બાઉન્સર રમવા પડશે. ખરેખર, એ ચિંતાજનક હતું. ભગવાનનો આભાર કે આવુ ના થયું.”
હાલ વોક્સની હિંમત અને દૃઢતાને બિરદાવવામાં આવી રહી છે. તેને મેચના પહેલા દિવસે જ ઈજા થઇ હતી અને ત્યાર બાદ મેદાનમાં ઉતર્યો ન હતો. તે ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં પણ બેટિંગ કરવા ઈચ્છતો હતો. પરંતુ ઇંગ્લેન્ડના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે તેની વાત માની ન હતી.