પુજારાની પત્ની પૂજાની ઇમોશનલ પોસ્ટ
હું ક્રિકેટ જરાય નહોતી જાણતી, પણ તમારા પ્રેમમાં પડ્યાં પછી આ રમતને તમારી નજરથી જોઈને ખૂબ માણી

રાજકોટઃ 37 વર્ષીય ટેસ્ટ-સ્પેશ્યાલિસ્ટ બૅટ્સમૅન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara)એ શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીથી ક્રિકેટ જગતમાં નામના મેળવી, પરંતુ ટેસ્ટ ટીમમાં કમબૅક કરવા મળશે એવી છેલ્લા 27 મહિનાથી રાહ જોયા બાદ છેવટે રવિવારે નિવૃત્તિ જાહેર કરી દીધી એને પગલે ખુદ પુજારાએ તો રિટાયરમેન્ટની જાહેરાતના દિવસે ભાવુક શબ્દોમાં લખેલી પોસ્ટ સોશ્યલ મીડિયામાં મૂકી જ હતી, તેની પત્ની પૂજા (Puja)એ પણ એક ઇમોશનલ પોસ્ટ લખી છે.
લગ્ન પહેલાં પૂજાની અટક પાબારી હતી. 2013ની 13મી ફેબ્રુઆરીએ ચેતેશ્વર અને પૂજા રાજકોટમાં લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. તેમને સાત વર્ષની દીકરી છે જેનું નામ અદિતી છે.
પૂજાએ તાજેતરમાં ક્રિકેટરની પત્નીના દૃષ્ટિકોણથી ક્રિકેટ પર પુસ્તક લખ્યું હતું અને એના અનાવરણના પ્રસંગે આયોજિત સમારંભમાં રોહિત શર્મા સહિત ઘણા દિગ્ગજો અને ક્રિકેટ નિષ્ણાતો ઉપસ્થિત હતા. પૂજાએ પતિદેવની શાનદાર ક્રિકેટ કરીઅરના સેલિબ્રેશનના ભાગરૂપે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોનું કલેક્શન શૅર કર્યું હતું જેમાં ખાસ કરીને ચેતેશ્વરની યાદગાર 2018ની સાલની ઑસ્ટ્રેલિયન ટૂરના ફોટો સામેલ હતા. 2018માં ભારતે (72 વર્ષે પહેલી જ વખત) ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝનો વિજય મેળવ્યો હતો. પૂજાએ એ ઐતિહાસિક જીતને ધ્યાનમાં રાખીને પુજારાની 100મી ટેસ્ટ વખતે ભાવુક સંદેશ લખ્યો હતો.
આ પણ વાંચો: ચેતેશ્વર પુજારાની ચાર બેસ્ટ ટેસ્ટ કઈ?
પુજારાએ ત્રણ દિવસ પહેલાં નિવૃત્તિ જાહેર કરી એને પગલે પૂજાએ એક પોસ્ટમાં લખ્યું છે, ` વર્તમાનમાં રહો, કારણકે વર્તમાન એ જ સર્વોચ્ચ અસ્તિત્વનું વર્તમાન છે. ભગવદ ગીતાનો એક માર્ગદર્શક સિદ્ધાંત જે તમે ઘણા સમયથી જીવી રહ્યા છો, અને આશા છે કે આ આગામી તબક્કામાં પણ એ તમને માર્ગદર્શન આપતો રહેશે! ક્રિકેટ તમારો ફર્સ્ટ લવ છે, ક્રિકેટ તમારું સૌથી મોટું પૅશન છે અને આ રમત તમને સૌથી વધુ પ્રિય છે અને એને તમે ગુડબાય કરી રહ્યા છો ત્યારે કહેવાનું મન થાય છે કે તમે આ રમતને તમારું સર્વસ્વ આપ્યું તેમ જ હંમેશાં શાંત અભિગમ સાથે તમે ભરપૂર સ્વમાન સાથે રમ્યા. લગ્ન પહેલાં હું ક્રિકેટ વિશે કંઈ જ નહોતી જાણતી. જોકે તમારા પ્રેમમાં પડ્યા પછી આ રમતને તમારી નજરથી જોઈને ખૂબ માણી. મને તમારી ક્રિકેટ-સફર પરથી જીવનના પાઠ શીખવા મળ્યા. મેં તમારી સાથે તમારી ક્રિકેટ કારકિર્દીના ઉતાર-ચઢાવ જોયા અને મારા માટે આનાથી વિશેષ બીજું કંઈ જ ન કહેવાય. હવે સ્ટેડિયમમાં બેસીને તમને ચિયર-અપ (Cheer-up) નહીં કરવા મળે એનો મને રંજ રહેશે. તમે ક્રિકેટને પ્રાધાન્ય આપવાના હેતુથી જે પણ સેલિબ્રેશન ગુમાવ્યા અને જે પણ ઍડજસ્ટમેન્ટ્સ કર્યા એ બધુ હવે આપણે સાથે મળીને માણીશું.’