ચેતેશ્વર પુજારાએ પીએમ મોદીનો કેમ આભાર માન્યો? | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ચેતેશ્વર પુજારાએ પીએમ મોદીનો કેમ આભાર માન્યો?

રાજકોટઃ ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ચેતેશ્વર પુજારા (Pujara)એ તાજેતરમાં ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી સંન્યાસ લીધો ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI)એ તેને એક પત્ર મોકલ્યો હતો જેમાં પીએમે પુજારાની કરીઅરને ખૂબ બિરદાવી હતી અને પુજારાએ એ પ્રશંસાના જવાબમાં સોશ્યલ મીડિયામાં ખાસ કરીને ` એક્સ’ પર આભાર વ્યક્ત કરતી પ્રતિક્રિયા આપી છે.

વડા પ્રધાન મોદીએ પત્ર (Letter)માં લખ્યું હતું, ` ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લેવાના તમારા નિર્ણયની મને જાણ થઈ. આ જાહેરાત બાદ તમારા ચાહકોએ તેમ જ સમગ્ર ક્રિકેટ જગતે તમારી ઉલ્લેખનીય ઉપલબ્ધિઓને ખૂબ બિરદાવી છે. હું તમારી શાનદાર ક્રિકેટ કારકિર્દી વિશે તમને હાર્દિક અભિનંદન અને શુભકામના આપું છું. મર્યાદિત ઓવર્સવાળી ક્રિકેટ મૅચોના પ્રભુત્વવાળા યુગમાં તમે લાંબા ફૉર્મેટવાળી ક્રિકેટની સંગીનતાની યાદ અપાવતા હતા. દૃઢ સ્વભાવ તેમ જ લાંબા સમય સુધી એકાગ્રતા સાથે બૅટિંગ કરવાની ક્ષમતાએ તમને ભારતીય બૅટિંગ લાઇન-અપના આધારસ્તંભ બનાવ્યા હતા. તમારી ઉત્કૃષ્ટ ક્રિકેટ કારકિર્દી કૌશલ્ય તથા સંકલ્પથી ભરપૂર રહી. ખાસ કરીને તમારી આ બધી ખાસિયતો વિદેશોમાં પડકારરૂપ પરિસ્થિતિઓમાં જોવા મળી હતી. મને પૂરી ખાતરી છે કે તમારા પિતાને તમારા પર ખૂબ ગર્વ હશે. પૂજા અને અદિતી તમારી સાથે વધુ સમય વીતાવવા બદલ ખુશ હશે જ. તેમણે તમને આગળ વધવામાં મદદરૂપ થવા ઘણો ત્યાગ આપ્યો છે. ખેલાડી બાદ હવે કૉમેન્ટેટરના રૂપમાં તમે જે વિશ્લેષણ આપશો એ ક્રિકેટપ્રેમીઓ માટે મૂલ્યવાન સાબિત થશે. મને વિશ્વાસ છે કે તમે પોતાને ક્રિકેટ સાથે જોડાયેલા જ રાખશો તેમ જ ઊભરતા ક્રિકેટરોને પ્રેરિત કરતા રહેશો.’

પુજારાએ આ પત્ર વિશેની પ્રતિક્રિયામાં લખ્યું છે કે ` મેં રિટાયરમેન્ટ લીધું એના પર મને માનનીય વડા પ્રધાનનો પ્રશંસા-પત્ર મળ્યો એ મારા માટે બહુ મોટું સન્માન છે. તમે જે ભાવના વ્યક્ત કરી એ બદલ હું તમારો ખૂબ આભારી છું. જીવનની બીજી ઇનિંગ્સ તરફ આગળ વધતાં પહેલાં કહું છું કે મેં મેદાન પર જે પણ પળો વીતાવી એને તેમ જ તમામ લોકો તરફથી મળેલા પ્રેમ તથા સન્માનને હું મારા દિલોદિમાગમાં હંમેશાં સાચવી રાખીશ.’

પુજારાએ 103 ટેસ્ટમાં કુલ 16,217 બૉલનો સામનો કરીને 7,195 રન કર્યા હતા જેમાં તેની 19 સેન્ચુરી અને 35 હાફ સેન્ચુરી સામેલ હતી.

આ પણ વાંચો….ચેતેશ્વર પુજારાએ નિવૃત્તિના બે દિવસ બાદ જાહેર કર્યું કે તેને…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button