પુજારા, આપણે ભેગા થઈને ભારતને જિતાડેલી ટેસ્ટ મૅચોની ક્ષણેક્ષણ હંમેશાં યાદ રહેશેઃ અજિંક્ય રહાણે

નવી દિલ્હીઃ ભારતને મળેલા શ્રેષ્ઠ ટેસ્ટ બૅટ્સમેનોમાં ગણાતા ચેતેશ્વર પુજારાએ 27 મહિના સુધી ટેસ્ટ ટીમમાં ફરી સ્થાન મેળવવાની રાહ જોયા પછી છેવટે રવિવારે રિટાયરમેન્ટ જાહેર કરી દીધું એને પગલે તેના પર શાનદાર કારકિર્દી (career) બદલ અભિનંદનનો વરસાદ વરસ્યો છે અને ખેલાડી તરીકેની કરીઅર પછીની નવી ઇનિંગ્સ વિશે તેના પર શુભેચ્છાઓની વર્ષા વરસી છે. ભારતના ક્રિકેટ લેજન્ડ્સ, ભૂતપૂર્વ કૅપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) તેમ જ સાથી ખેલાડીઓએ પુજારાની કરીઅરને બિરદાવી છે.
2023ની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલમાં ભારત વતી સૌથી વધુ 89 રન બનાવનાર અજિંક્ય રહાણેએ સોશ્યલ મીડિયામાં પુજારા વિશે જણાવ્યું છે, ` પુજ્જી, અપ્રતિમ કારકિર્દી બદલ અભિનંદન. તારી સાથે રમેલી પ્રત્યેક પળ મને આનંદ આપનારી હતી. આપણે ભેગા થઈને ભારતને જે ટેસ્ટ મૅચો જિતાડી હતી એની દરેક ક્ષણ મને હંમેશાં યાદ રહેશે. સેકન્ડ ઇનિંગ્સ માટે તને મારી શુભેચ્છા.’
પુજારા વિશે અન્યોમાં કોણે કહ્યું એ પહેલાં તેની કરીઅરના જાદુઈ આંકડા પર એક નજર કરી લઈએ…
ટેસ્ટમાં 19 સેન્ચુરી અને 7,000-પ્લસ રન
37 વર્ષના પુજારા (Pujara)એ ભારતીય ક્રિકેટમાં તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. છેલ્લે તે જૂન, 2023માં લંડનના ઓવલમાં ડબ્લ્યૂટીસીની ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં રમ્યો હતો. તેણે 2010થી 2023 દરમ્યાન ટેસ્ટ-ક્રિકેટમાં કુલ 103 ટેસ્ટમાં 7,195 રન કર્યા હતા જેમાં 19 સેન્ચુરી અને 35 હાફ સેન્ચુરી સામેલ હતી. તેણે ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-કરીઅર શરૂ કરી અને ઑસ્ટ્રેલિયા સામે જ અંતિમ ટેસ્ટ રમ્યો હતો. તે ફક્ત પાંચ વન-ડે રમ્યો હતો જેમાં તેણે 51 રન કર્યા હતા. ટેસ્ટ સહિતની 278 ફર્સ્ટ ક્લાસ મૅચોમાં પુજારાએ કુલ 21,301 રન કર્યા હતા જેમાં 66 સેન્ચુરી અને 81 હાફ સેન્ચુરીનો સમાવેશ હતો. તેણે 103 ટેસ્ટમાં કુલ 66 કૅચ ઝીલ્યા હતા.
ટેસ્ટમાં 863 અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 2670 ચોક્કા
ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ચેતેશ્વર પુજારા સિક્સર સ્પેશ્યાલિસ્ટ તો નહોતો, પરંતુ તે દરેક મૅચમાં ચોક્કાના વરસાદ જરૂર વરસાવતો હતો. તેણે 103 ટેસ્ટમાં કુલ 863 રન ફોર અને 16 સિક્સર ફટકારી હતી. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પણ તે સૌરાષ્ટ્રની ટીમ માટે આધારભૂત હતો. તેણે પ્રથમ કક્ષાની 278 મૅચોમાં કુલ 2,670 ચોક્કા અને 64 છગ્ગા ફટકાર્યા હતા. તેણે સૌરાષ્ટ્ર તેમ જ ઇન્ડિયા ` એ’ સહિતની ફર્સ્ટ ક્લાસ મૅચોમાં કુલ 160 કૅચ ઝીલ્યા હતા.
પપ્પા અને કાકા પણ સૌરાષ્ટ્ર વતી રમ્યા
ચેતેશ્વર પુજારાના પપ્પા અરવિંદભાઈ પુજારા 1976થી 1980 દરમ્યાન સૌરાષ્ટ્ર વતી છ ફર્સ્ટ ક્લાસ મૅચ અને ચેતેશ્વરના કાકા બિપીનભાઈ પુજારા 1983થી 1997 દરમ્યાન સૌરાષ્ટ્ર વતી 36 મૅચ રમ્યા હતા. બિપીનભાઈ પુજારા વિકેટકીપર-બૅટ્સમૅન હતા અને તેમણે સૌરાષ્ટ્ર વતી બે સેન્ચુરી સહિત કુલ 1,631 રન કર્યા હતા અને 24 કૅચ ઝીલ્યા હતા.
First of his name, last of his kind. Take a bow on a stellar career @cheteshwar1 You should be mighty proud of what you achieved donning the India cap. Congratulations and all the best for what's to come pic.twitter.com/JURHSo3QIG
— Wasim Jaffer (@WasimJaffer14) August 24, 2025
પુજારા વિશે કોણે શું કહ્યું?
ટૉપ-ઑર્ડરના રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન ચેતેશ્વર પુજારાની ભવ્ય કારકિર્દીને ઘણા ભારતીય ક્રિકેટરોએ બિરદાવી છે. રાહુલ દ્રવિડની નિવૃત્તિ પછી પુજારા ભારતની ટેસ્ટ ટીમમાં ત્રીજા નંબરના બૅટ્સમૅન તરીકે આધારસ્તંભ બની ગયો હતો. પુજારાને દ્રવિડ પછીના બીજા ` ધ વૉલ’ તરીકે ઓળખાવવામાં આવતો હતો. પુજારા વિશે ઘણા ખેલાડીઓએ ભરપૂર પ્રશંસા કરી છેઃ
સચિન તેન્ડુલકરઃ

પુજારા, જ્યારે પણ તને ત્રીજા નંબર પર બૅટિંગ કરવા જતા જોયો ત્યારે દિલોદિમાગમાં હાશકારો થતો અને ટીમ સારી સ્થિતિમાં આવી જ જશે એવો ભરોસો થતો હતો. માનસિક દબાણ વખતે તારામાં ગજબની બૅટિંગ-ટેક્નિક, ધૈર્યપૂર્ણ પર્ફોર્મન્સ અને સંતુલનની પ્રતીતિ થતી હતી. પ્રેશરના સમયમાં સ્તંભ સમાન તારા આ ગુણ જોવા મળતા હતા. તારી તમામ લાજવાબ શ્રેણીઓમાંથી 2018ની ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ સર્વોત્તમ હતી. એ સિરીઝમાં તારી પ્રતિરોધક્ષમતા વિના જીત સંભવ જ નહોતી. અસાધારણ કારકિર્દી બદલ અભિનંદન અને ક્રિકેટ ખેલાડી પછીની નવી ઇનિંગ્સ માટે ગુડ લક. સેકન્ડ ઇનિંગ્સ ખૂબ માણજે એવી શુભેચ્છા.
વીવીએસ લક્ષ્મણઃ

ચેતેશ્વર પુજારાને મેં સૌથી પહેલાં જોયા બાદ તેની ક્ષમતા-કાબેલિયતને જોઈ ત્યાર પછી એ ગુણોને મેં તેના પર્ફોર્મન્સમાં પરિવર્તિત થતા જોયા હતા. બૅટ્સમૅન તરીકે તેનામાં લાજવાબ હિંમત અને સંકલ્પશક્તિ હતી. ગૅબામાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ભારતને વિજય અપાવવા તેણે શરીર પર બૉલના જે ઘા ઝીલ્યા હતા એમાં મને અસલી પુજારાની ઝાંખી થઈ હતી. બૅટ્સમૅન તરીકે દેશ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરી દેવાની ભાવના તેનામાં હતી. વેલ ડન પુજારા. તારી સેકન્ડ ઇનિંગ્સ પણ આનંદિત રહે એવી શુભેચ્છા.
અનિલ કુંબલેઃ

શાનદાર કારકિર્દી બદલ ખૂબ ખૂબ અભિનંદન. અવ્વલ દરજ્જાના ભારતીય બૅટ્સમૅન તરીકે તું વિશ્વભરમાં પ્રસિદ્ધ થયો. ભારતને ગૌરવ અપાવનારી તેં જે કંઈ સિદ્ધિઓ હાંસલ કરી એ બદલ અમને સૌને તારા પર ગર્વ છે.
યુવરાજ સિંહઃ

પુજારા એવો ખેલાડી હતો જે દેશ માટે દિલોદિમાગને પૂર્ણપણે કામે લગાડી દેતો હતો. પુજ્જી, અસાધારણ કારકિર્દી બદલ તને અભિનંદન. તારી નવી ઇનિંગ્સ પણ લાજવાબ રહે એવી શુભેચ્છા. મળતા રહીશું.
ગૌતમ ગંભીરઃ

પુજારા ભલભલા તોફાન સામે અડીખમ ઊભો રહેતો અને જ્યારે જીતવાની આશા નબળી પડી જતી ત્યારે હરીફો સામે લડતો. કૉન્ગ્રેચ્યૂલેશન્સ, પુજ્જી.
વીરેન્દર સેહવાગઃ

ચેતેશ્વર, શાનદાર કારકિર્દી બદલ અભિનંદન. તારો બાહોશ અભિગમ, સંકલ્પશક્તિ અને તનતોડ મહેનત કરવાની વૃત્તિ પ્રેરક રહી છે. તેં જે પણ હાંસલ કર્યું છે એ હંમેશાં તારા માટે ગૌરવપૂર્ણ રહેશે. સેકન્ડ ઇનિંગ્સ માટે તને શુભકામના.
ઇરફાન પઠાણઃ

પુજારા, શક્તિ-સંકલ્પની ભાવના તારા નામ સાથે જોડાયેલી છે. બેમિસાલ કારકિર્દી બદલ તને અભિનંદન. તારા સંરક્ષણભર્યા અભિગમમાં જ તારી આક્રમકતાની ઝલક જોવા મળતી હતી. પુજ્જી, તેં ભારતનું નામ રોશન કર્યું છે. બીજી ઇનિંગ્સ માટે તને શુભેચ્છા.