ચેતેશ્વર પુજારાએ નિવૃત્તિના બે દિવસ બાદ જાહેર કર્યું કે તેને…

નવી દિલ્હીઃ ટેસ્ટ-સ્પેશ્યાલિસ્ટ બૅટ્સમૅન ચેતેશ્વર પુજારા (CHETESHWAR PUJARA)એ શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીને ગુડબાય કરી દીધી એના ગણતરીના જ કલાકો બાદ એક મુલાકાતમાં કહ્યું છે કે થોડા મહિનાઓથી તે કૉમેન્ટેટર બન્યો છે જે કામ તેને ખૂબ ગમ્યું છે અને હવે તે કોચિંગ (COACHING) આપવાની તક મળે તો એ પણ ઝડપી લેવા માગે છે.
પુજારાને બેંગલૂરુમાં બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેન્ટર ઑફ એક્સેલન્સ (સીઓઇ)માં કોઈ પ્રકારની જવાબદારી સોંપવામાં આવે તો એ પણ સ્વીકારવા તે તૈયાર છે.
આપણ વાંચો: `ધ ડાયરી ઑફ અ ક્રિકેટર્સ વાઇફ’: પત્ની પૂજાએ લખેલું પુસ્તક પુજારાએ લૉન્ચ કર્યું…
37 વર્ષના પુજારાએ 103 ટેસ્ટમાં 7,000-પ્લસ રન કર્યા હતા. તેણે પીટીઆઇ (PTI)ને મુલાકાતમાં કહ્યું, ` મને કૉમેન્ટરી આપવાનું ખૂબ ગમ્યું. એ કામ હું ચાલુ જ રાખીશ. મને કોચિંગ આપવાનું કામ મળશે તો એ કરવું પણ મને ખૂબ ગમશે. એ નવા કામ વિશે મેં ઊંડાણથી વિચાર તો નથી કર્યો, પણ જો તક મળે એ ઝડપી લેવા માગું છું. ટૂંકમાં, હું કોઈ પણ રીતે ભારતીય ક્રિકેટને યોગદાન આપવા માગું છું.’
યુવાન ખેલાડી માટેના સંદેશમાં પુજારાએ કહ્યું, ` ખરા અર્થમાં કહીએ એવા ક્લાસિકલ ટેસ્ટ બૅટ્સમૅન હવે ભાગ્યે જ જોવા મળે છે. એવા બૅટ્સમૅન બનવાની તક યુવાન ખેલાડીએ ઝડપી લેવી જોઈએ. જોકે હવે સમય બદલાઈ પણ ગયો છે એટલે એને અનુરૂપ આગળ વધવું જોઈએ. યુવાન ખેલાડીએ ત્રણેય ફૉર્મેટમાં રમવું જોઈએ, કારણકે હવે વાઇટ-બૉલ ક્રિકેટ વધુ રમાતી હોય છે.’