ચેતેશ્વર પુજારાની ચાર બેસ્ટ ટેસ્ટ કઈ?

રાજકોટઃ ચેતેશ્વર પુજારાએ 2010માં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું તથા 2023માં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ તેની અંતિમ ટેસ્ટ બની હતી અને 13 વર્ષની શાનદાર કારકિર્દીમાં તેણે ભારતને ઘણી મૅચો જિતાડી આપી હતી.
તેમ જ ક્રિકેટ જગતને તેની અસંખ્ય લાજવાબ ઇનિંગ્સ માણવા મળી હતી, પરંતુ ચાર ટેસ્ટ એવી હતી જેમાંની તેની ઇનિંગ્સ લાજવાબ કહી શકાય.
(1) 2010માં બેંગલૂરુમાં ઑસ્ટ્રેલિયા (Australia) સામેની ટેસ્ટમાં ચેતેશ્વર પુજારાની ડેબ્યૂ ઇનિંગ્સ ત્રણ જ બૉલમાં (ચાર રને મિચલ જૉન્સનના બૉલમાં એલબીડબ્લ્યૂ) સમેટાઈ ગઈ હતી, પરંતુ મૅચના બીજા દાવમાં (72 રન, 89 બૉલ, 129 મિનિટ, સાત ફોર) તેને રાહુલ દ્રવિડની પહેલાં ત્રીજા નંબરે મોકલવામાં આવ્યો અને જૉન્સન, નૅથન હૉરિટ્ઝ, બિલ હિલ્ફેનહૉસ, શેન વૉટ્સનનો સામનો કરીને તેણે સચિન તેન્ડુલકર (53 અણનમ) સાથેની 57 રનની ભાગીદારીની મદદથી ભારતને રોમાંચક વિજય અપાવ્યો હતો. ભારતે ત્રણ વિકેટે 207 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો.

(2) 2013માં જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકા (South Africa) સામે પુજારા બીજા દાવમાં (153 રન, 270 બૉલ, 353 મિનિટ, 21 ફોર) બૅટિંગમાં આવ્યો ત્યારે ભારતનો સ્કોર 1/23 હતો. તેણે ડેલ સ્ટેન, વર્નોન ફિલૅન્ડર, મૉર્ની મૉર્કલ, જૅક કૅલિસ, ઇમરાન તાહિર તથા જેપી ડુમિનીના બોલિંગ આક્રમણનો સામનો કરીને મુરલી વિજય સાથે 77 રનની, વિરાટ કોહલી સાથે 222 રનની ભાગીદારી કરીને સાઉથ આફ્રિકાને 458 રનનો તોતિંગ લક્ષ્યાંક અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. જોકે છેવટે ટેસ્ટ ડ્રૉમાં ગઈ હતી.

(3) 2017માં રાંચીમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં પ્રથમ દાવમાં કે. એલ. રાહુલ (67) અને મુરલી વિજય (82) વચ્ચેની 91 રનની ભાગીદારી બાદ પુજારા (202 રન, 525 બૉલ, 672 મિનિટ, 21 ફોર)એ અવિસ્મરણીય ઇનિંગ્સથી ભારતને 9/603 ડિક્લેર્ડનો તોતિંગ સ્કોર અપાવ્યો હતો. ત્યારે તેણે હૅઝલવૂડ, કમિન્સ, નૅથન લાયન, સ્ટીવ ઑકિફ અને મૅક્સવેલના આક્રમણનો સફળતાથી સામનો કર્યો હતો. એ મૅચ પણ છેવટે ડ્રૉમાં પરિણમી હતી.
(4) 2018માં ઍડિલેઇડમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં પુજારાએ ટીમના ધબડકા વચ્ચે ધૈર્યનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભારતે ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનોના ખરાબ શૉટને કારણે 41 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી, પરંતુ પુજારા (123 રન, 246 બૉલ, 376 મિનિટ, બે સિક્સર, સાત ફોર)એ એકલા હાથે ટીમનો સ્કોર 250 રન સુધી પહોંચાડ્યો હતો. બીજા દાવમાં અજિંક્ય રહાણેના 70 રન હતા તો પુજારાએ પાંચ કલાક સુધી ક્રીઝમાં ટકી રહીને 204 બૉલમાં 71 રન કર્યા અને છેવટે ભારતે એ ટેસ્ટ જીતી લીધી હતી.

ભારતીયોમાં સૌથી વધુ બૉલ રમ્યો
- ચેતેશ્વર પુજારા ટેસ્ટ-ક્રિકેટમાં 2010ની સાલ પછી સૌથી વધુ બૉલ રમનાર ભારતીય બૅટ્સમૅન છેઃ જૉ રૂટ (19,082 બૉલ), ઍલસ્ટર કૂક (17,534 બૉલ), અઝહર અલી (16,301 બૉલ), સ્ટીવ સ્મિથ (15,927 બૉલ), ચેતેશ્વર પુજારા (15,797 બૉલ), કેન વિલિયમસન (14,971 બૉલ) અને વિરાટ કોહલી (14,654 બૉલ).
- ક્રીઝમાં રહીને ટીમના ટેસ્ટ સ્કોરમાં ભાગીદારીઓની મદદથી સૌથી વધુ યોગદાન આપનારા ભારતીયોમાં પુજારા ત્રીજા નંબરે છેઃ (1) ટીમના કુલ 88,942 રનમાં રાહુલ દ્રવિડના ભાગીદારીઓમાં કુલ 32,039 રન, 36.0 ટકા (2) ટીમના કુલ 60,446 રનમાં સુનીલ ગાવસકરના ભાગીદારીઓમાં કુલ 21,080 રન, 34.9 ટકા (3) ટીમના કુલ 51,718 રનમાં ચેતેશ્વર પુજારાના ભાગીદારીઓમાં કુલ 15,804 રન, 30.6 ટકા (4) ટીમના કુલ 1,05,281 રનમાં સચિન તેન્ડુલકરના ભાગીદારીઓમાં કુલ 31,245 રન, 29.7 ટકા (5) ટીમના કુલ 54,934 રનમાં વિરાટ કોહલીના કુલ 15,967 રન, 29.10 ટકા.
આ પણ વાંચો…પુજારા, આપણે ભેગા થઈને ભારતને જિતાડેલી ટેસ્ટ મૅચોની ક્ષણેક્ષણ હંમેશાં યાદ રહેશેઃ અજિંક્ય રહાણે