
રાજકોટ: ભારતીય ક્રિકેટ ટીમના વધુ એક દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી છે. ટેસ્ટ ક્રિકેટના ધુરંધર ખેલાડી ચેતેશ્વર પૂજારા(Cheteshwar Pujara)એ આજે રવિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે.

ચેતેશ્વર પૂજારાએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી ઈમોશનલ પોસ્ટ લખી છે, જેમાં તેણે લખ્યું, “ભારતીય જર્સી પહેરીને, રાષ્ટ્રગીત ગાતી વખતે અને મેદાન પર ઉતરતી વખતે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા તેનો અર્થ શું છે તે શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. પરંતુ કહેવામાં આવે છે તેમ તમામ સારી બાબતોનો ક્યારેક અંત આવે છે. અપાર કૃતજ્ઞતા સાથે મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. પ્રેમ અને સમર્થન માટે આભાર!”
સોશિયલ મીડિયા પર પોસ્ટમાં, પૂજારાએ તેને સમર્થન આપનાર સાથી ખેલાડીઓ, કોચ અને અન્ય લોકોનો અભાર માન્યો.
પોસ્ટમાં પુજારાએ લખ્યું, “મારા માતા-પિતા સહકારથી રાજકોટ જેવા નાના શહેરનો એક નાનો છોકરો તારાઓ સુધી પહોંચવાના સપના જોઈને નીકળ્યો હતો; અને ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બનવાનું સ્વપ્ન જોયું હતું. ત્યારે મને ખબર નહોતી કે આ રમત મને આટલી બધી અમૂલ્ય તકો, અનુભવો, હેતુ, પ્રેમ અને સૌથી ઉપર મારા રાજ્ય અને આ મહાન રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાની તક આપશે.”
નોંધનીય છે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) યુવા ખેલાડીઓને વધુ તક આપી રહી હોવાથી, પુજારાને ઘણા સમયથી ભારતીય ટેસ્ટ ટીમના સ્થાન મળ્યું ન હતું.
પુજારા એ લખ્યું કે તે જીવનના નવ તબક્કા તરફ આગળવધી રહ્યો છે, હવે તે પરિવાર સાથે વધુ સમય વિતાવશે.
આપણ વાંચો: વાનખેડેમાં સ્ટૅચ્યૂના અનાવરણ વખતે સુનીલ ગાવસકર ભાવુક થયા…