30મી ઑક્ટોબરથી ચેસનો વર્લ્ડ કપ ભારતના આ રાજ્યમાં યોજાશે…

પણજીઃ આગામી 30મી ઑક્ટોબરથી 27મી નવેમ્બર સુધી ગોવામાં ચેસનો ફિડે વર્લ્ડ કપ (Fide World Cup) યોજાશે. આ વિશ્વ કપમાં ટોચના સ્થાને આવનારા ખેલાડીઓમાંથી ત્રણ ખેલાડીને આવતા વર્ષની ધ કૅન્ડિડેટ્સ સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળશે.
ફિડે વર્લ્ડ કપમાં કુલ 20 લાખ ડૉલર (અંદાજે 18 કરોડ રૂપિયા)ના ઇનામ આપવામાં આવશે. ચેસની આ મહા સ્પર્ધામાં ભાગ લેનારા 206 પ્લેયરમાં ભારતના 21 ખેલાડી સામેલ હશે અને એમાં વર્તમાન વિશ્વ વિજેતા ડી. ગુકેશ તેમ જ ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન વિશ્વનાથન આનંદનો પણ સમાવેશ હશે એવી સંભાવના છે.
વર્લ્ડ નંબર વન મેગ્નસ કાર્લસન તેમ જ ફેબિયાનો અને આર. પ્રજ્ઞાનાનંદ પણ આ મહા સ્પર્ધામાં ભાગ લેશે.
જોકે ડી. ગુકેશ ધ કૅન્ડિડેટ્સ (Candidates) સ્પર્ધા માટેની રેસમાં ન હોવાથી તે પ્રાઇઝ મની માટે કે રેટિંગ પૉઇન્ટ માટે આ વર્લ્ડ કપમાં ભાગ લેશે કે કેમ એ જોવું રહ્યું. એ જ રીતે, વિશ્વનાથન આનંદ ઘણા સમયથી ક્લાસિકલ ચેસ નથી રમ્યો એટલે તે આ વર્લ્ડ કપમાં રમશે કે નહીં એ આવનારા દિવસોમાં નક્કી થઈ જશે.
ચેસનો ફિડે વર્લ્ડ કપ 23 વર્ષે ફરી ભારતમાં યોજાવાનો છે. છેલ્લે હૈદરાબાદમાં આ સ્પર્ધા યોજાઈ હતી ત્યારે વિશ્વનાથન આનંદ વિશ્વ વિજેતા બન્યો હતો.
આ પણ વાંચો…ભારતીય મૂળની બોધના શિવાનંદને ચેસમાં ત્રણ નવા ઇતિહાસ રચ્યા…