
ધરમશાલા: આગામી જૂનની શરૂઆતથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમના 80 ટકા ખેલાડીઓ આઇપીએલની વર્તમાન સીઝનની પહેલાં જ નક્કી કરી લેવામાં આવ્યા હતા એવું કૅપ્ટન રોહિત શર્માએ ગયા અઠવાડિયે મુંબઈની પત્રકાર પરિષદમાં કહ્યું હતું. બાકીના 20 ટકા ખેલાડીઓની વાત કરીએ તો એમાં શિવમ દુબે જેવા કેટલાક ખેલાડીઓનો સમાવેશ કરી શકાય. શિવમ પેસ બોલિંગ ઑલરાઉન્ડર છે, પરંતુ તેને ખાસ કરીને આઇપીએલ-2024માંના પર્ફોર્મન્સને આધારે વિશ્ર્વકપની ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે એ ટીમમાં સિલેક્ટ થયા પછી તે લાગલગાટ બે મૅચમાં (બૅટિંગમાં સદંતર) ફ્લૉપ ગયો છે.
ચેન્નઈ સુપર કિંગ્સના શિવમ દુબેને મિડલ-ઑર્ડરના સ્પેશિયાલિસ્ટ બૅટર તરીકે વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ચીફ સિલેક્ટર અજિત આગરકરે કહ્યું હતું કે જરૂર પડશે તો શિવમ પેસ બોલર તરીકે પણ કામ લાગશે.
જોકે શિવમ દુબે પહેલી મેએ ચેન્નઈમાં પંજાબ કિંગ્સ સામેની મૅચમાં પોતાના પહેલા જ બૉલ (ગોલ્ડન-ડક)માં આઉટ થઈ ગયો હતો. આજે (રવિવાર, પાંચમી મે) ધરમશાલામાં ફરી પંજાબ સામે મૅચ રમાઈ જેમાં શિવમ દુબેએ ફરી પહેલા જ બૉલ (ગોલ્ડન-ડક)માં વિકેટ ગુમાવી.
શિવમ દુબેની આ બે લાગલગાટ નિષ્ફળતા માટે ચેન્નઈની ટીમ તો ચિંતામાં હશે જ, વર્લ્ડ કપ માટેના કૅપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને સમગ્ર ટીમ પણ ચિંતા કરતી હશે. આ આઇપીએલમાં શિવમ દુબેએ 11 મૅચમાં 350 રન બનાવ્યા છે. તેના નામે ત્રણ હાફ સેન્ચુરી છે તો ત્રણ ઝીરો પણ લખાયા છે.
પહેલી મેએ ચેન્નઈમાં શિવમ દુબે (0)ને પંજાબના સ્પિનર હરપ્રીત બ્રારે એલબીડબ્લ્યૂ કર્યો હતો. શિવમ દુબેએ એ મૅચમાં પંજાબના જૉની બેરસ્ટોની વિકેટ લીધી હતી, પરંતુ પંજાબે એ મૅચ સાત વિકેટે જીતી લીધી હતી. રવિવારે ધરમશાલામાં શિવમ (0)ને પંજાબના સ્પિનર રાહુલ ચાહરે વિકેટકીપર જિતેશ શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.