
વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશનું વિશાખાપટ્ટનમ દિલ્હી કૅપિટલ્સ (ડીસી)નું કામચલાઉ હોમ-ટાઉન છે જ્યાં એનો રેકૉર્ડ સારો નથી રહ્યો અને રવિવારે (સાંજે 7.30 વાગ્યાથી) એણે એવી ટીમ સામે રમવાનું જે પાંચ ટાઇટલ જીતી ચૂકી છે, પૉઇન્ટ્સ-ટેબલમાં ચાર પૉઇન્ટ સાથે મોખરે છે, જીતની હૅટ-ટ્રિકની તલાશમાં છે અને હેડ-ટુ-હેડ ટક્કરમાં પણ એ ખૂબ આગળ છે.
ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) સામે ડીસીએ જીતવા ખૂબ સંઘર્ષ કરવો પડશે. પહેલી બન્ને મૅચ જીતીને ઋતુરાજ ગાયકવાડની સીએસકેની ટીમ હવે સતત ત્રીજી મૅચ જીતવાની તલાશમાં છે.
ડીસી બન્ને મૅચ હારી ગઈ હોવાથી પહેલા પૉઇન્ટની તલાશમાં છે. સીએસકેની ટીમ કુલ 29માંથી 19 મૅચ જીતી છે અને માત્ર 10 મૅચમાં ડીસીનો વિજય થયો છે.
એ રીતે, રવિવારનો બીજો મુકાબલો બે અસમતોલ ટીમ વચ્ચેનો છે. દિલ્હીના કૅપ્ટનપદે રિષભ પંત પાછો આવ્યો છે અને બન્ને મૅચના પરાજય ઉપરાંત પોતાના નબળા બૅટિંગ ફૉર્મને લીધે ચેન્નઈની માતબર ટીમ સામે જીતવા માટે ફેવરિટ નથી. બીજી બાજુ, સીએસકે પાસે લેજન્ડરી એમએસ ધોની તો છે જ, હવે તે નવા કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ માટે મેદાન પરના માર્ગદર્શકના રૂપમાં રમી રહ્યો છે.
જો દિલ્હી આજે જીતશે તો આ સીઝનમાં એણે પહેલો બિગ અપસેટ કર્યો કહેવાશે.
એક તરફ ધોની છે જેને 20 વર્ષ પહેલાં (એ સમયના ભારતીય સુકાની) સૌરવ ગાંગુલીએ ત્રીજા નંબરના બૅટર તરીકે પ્રમોટ કર્યો હતો. ગાંગુલી હવે દિલ્હીની ટીમનો ડિરેકટર છે અને ધોની તેની ટીમને હરાવવા કોઈ કસર નથી છોડવાનો. રિકી પૉન્ટિંગ દિલ્હીની ટીમનો કોચ છે એટલે ધોનીએ તેના પાસાં પણ ઊલટા પાડવાના છે. દિલ્હીને જો પૃથ્વી શો કામ આવશે તો ચેન્નઈ માટે જીતવું મુશ્કેલ થઈ જશે. ઑલરાઉન્ડર લલિત યાદવ ગાયકવાડના લેફ્ટ-હૅન્ડર્સને મુશ્કેલીમાં મૂકી શકે એમ છે. દિલ્હીને હવે ડેવિડ વૉર્નર, પંત, મિચલ માર્શ, સ્ટબ્સની આક્રમક ઇનિંગ્સની ખાસ જરૂર છે.