ચેન્નઈમાં ચેસની સ્પર્ધાના સ્થળે આગ, આયોજકોએ બે મોટા નિર્ણય લેવા પડ્યા...

ચેન્નઈમાં ચેસની સ્પર્ધાના સ્થળે આગ, આયોજકોએ બે મોટા નિર્ણય લેવા પડ્યા…

ચેન્નઈઃ ભારતે આઠ મહિનામાં ચેસ જગતને 19-19 વર્ષના બે વર્લ્ડ ચૅમ્પિયન (ડી. ગુકેશ તથા દિવ્યા દેશમુખ) આપ્યા એ સાથે બુદ્ધિબળની અને પ્રાચીન ભારતની વાત કરીએ તો શતરંજની આ રમતે ભારતભરમાં યુવા વર્ગને આ રમતમાં રસ લેતા કરી દીધા છે અને આ સુવર્ણકાળમાં દેશમાં જો કોઈ મોટી સ્પર્ધા યોજાય તો એ જરૂર આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.

પરંતુ બુધવારે શરૂ થનારી આ સ્પર્ધા (tournament)ને આડે મોટું વિઘ્ન આવ્યું હતું. દેશ-વિદેશના જાણીતા ખેલાડીઓ માટેની આ ટૂર્નામેન્ટના સ્થળે આગ લાગતાં આયોજકોએ ટૂર્નામેન્ટ એક દિવસ માટે મોકૂફ રાખી હતી અને ખેલાડીઓના રહેવા માટે સુરક્ષિત સ્થળે વ્યવસ્થા કરવામાં આવી હતી.

કુલ એક કરોડ રૂપિયાના ઇનામવાળી ચેન્નઈ ગ્રેન્ડમાસ્ટર્સ ચેસ ટૂર્નામેન્ટમાં ભારતનો નંબર-વન ખેલાડી અર્જુન એરીગૈસી, બીજો ટોચનો પ્લેયર વિદીત ગુજરાતી તેમ જ નેધરલૅન્ડ્સનો અનિશ ગિલી સહિત ઘણા જાણીતા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. કુલ મળીને 19 ગ્રેન્ડમાસ્ટર ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.

હોટેલના નવમા માળે ઇલેકટ્રિક વાયર બળી જતાં આખી હોટેલ (Hotel)માં ધુમાડો ફેલાયો હતો. હોટેલમાંથી દરેક જણને બહાર લાવવામાં આવ્યા હતા, કારણકે હોટેલમાં શ્વાસ લેવામાં જ તકલીફ થતી હતી.

આ સ્પર્ધાની ત્રીજી સીઝન બુધવારે ચેન્નઈની હોટેલ હયાત રિજન્સી (Hyatt Regency)માં યોજાવાની હતી, પરંતુ મંગળવારે રાત્રે ટૂર્નામેન્ટના સ્થળે આગ લાગી હતી જેને પગલે ટૂર્નામેન્ટ ગુરુવાર, સાતમી ઑગસ્ટ પર મુલતવી રખાઈ હતી અને ખેલાડીઓને નજીકની બીજી હોટેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. જોકે હોટેલ હયાતમાં આગના સ્થળે બધુ ઠીકઠાક થઈ જતાં ખેલાડીઓને આ હોટેલમાં પાછા લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…ચેસની વર્લ્ડ ચૅમ્પિયન દિવ્યાને ફડણવીસના હસ્તે ત્રણ કરોડ રૂપિયાનું ઇનામ સુપરત

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button