Champions Trophy: કેએલ રાહુલને લીધા વિના જ બસ હોટેલ રવાના થઇ ગઈ; જાણો શું થયું દુબઈમાં

દુબઈ: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) દુબઈ પહોંચી ચુકી છે. દુબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ ટીમ એક બસમાં બેસીને હોટેલ પહોંચી હતી. આ દરમિયાન વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) ટીમ સાથે દેખાયો ન હતો. અહેવાલો અનુસાર, એરપોર્ટ પર ઉતર્યા બાદ કેએલ રાહુલ અલગથી કારમાં હોટેલ પહોંચ્યો હતો.
ટીમનું ઉષ્માભર્યું સ્વાગત:
ટીમ ઇન્ડિયા શનિવારે, 15 ફેબ્રુઆરીના રોજ ટુર્નામેન્ટ માટે ભારતથી દુબઈ જવા રવાના થઈ હતી. યુએઈ પહોંચ્યા પછી, ટીમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર ચાહકોની મોટી ભીડ એકઠી થઈ હતી. હેડ કોચ ગૌતમ ગંભીર સાથે ખેલાડીઓ એરપોર્ટમાંથી બહાર નીકળ્યા અને બસમાં ચઢ્યા, આ દરમિયાન તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
કેપ્ટન રોહિત રાહ જોતો રહ્યો:

કેપ્ટન રોહિત શર્મા બહાર આવતા જ લોકોએ તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું હતું, આ વચ્ચે રોહિત સિક્યોરિટી ઓફિસર્સની સૂચના માટે પણ રોકાયો હતો. જોકે, કેએલ રાહુલ બસમાં ચઢતો દેખાયો નહીં, તેના વગર જ બસ ટીમને લઈને હોટેલ તરફ રવાના થઇ હતી. કેપ્ટન રોહિત ટીમ બસની રાહ જોતો અને સપોર્ટ સ્ટાફ સાથે વાત કરતો જોવા મળ્યો.
આ પણ વાંચો : મુંબઈથી દુબઈઃ ભારતના મોટા ભાગના ક્રિકેટરો ચૅમ્પિયન્સ ટ્રોફી માટે રવાના થઈ ગયા
કેએલ રાહુલ 20 મિનીટ બાદ બહાર આવ્યો:
અહેવાલ મુજબ કેએલ રાહુલ ટીમના બાકીના સભ્યો રવાના થયાના લગભગ 20 મિનિટ પછી એરપોર્ટથી બહાર નીકળ્યો અને એક અલગ કારમાં બેસીને હોટેલ પહોંચ્યો.
કેએલ રાહુલને મોડું કેમ થયું અને અલગથી કારમાં કેમ ગયો એ અંગે હજુ સુધી માહિતી મળી શકી નથી.
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી મેચ 20મી ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે.